- સહકારી ક્ષેત્રમાં અગાઉ રાજકિય પક્ષથી અલગ લડાતી હતી ચૂંટણી
- સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપી ભાજપે ઉમેદવારો ઉતરવાની તૈયારી કરતા ચૂંટણી થવાની શક્યતા
- કોંગ્રેસની સહકારી ક્ષેત્રમાં રાજકારણથી દૂર રહેવાની વાત
- નવસારી 2002 માં કાર્યરત થયા બાદ નથી થઈ ચૂંટણી
નવસારી: નવસારી અને જલાલપોર તાલુકાના ખેડૂતોના પાકના વેચાણ અર્થે વર્ષ 1994 માં નવસારી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બની હતી. નવસારી APMC બન્યાના 8 વર્ષો બાદ વિરાવળ જકાતનાકા પાસે માર્કેટ યાર્ડ નિર્માણ પામ્યુ અને કાર્યરત થયુ હતુ. જેમાં APMC એક્ટ અનુસાર ચૂંટણી જાહેર તો થતી પરંતુ સહકારી ક્ષેત્રના કારણે સમજાવટથી ચૂંટણીની જગ્યાએ નિર્વિરોધ ડિરેકટરોની પસંદગી થતી આવી હતી. જોકે સહકારી ક્ષેત્ર હોવાથી રાજકિય પક્ષો સીધી રીતે ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેતા હતા પરંતુ હાલમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે APMC ની ચૂંટણીઓમાં ભાજપના મેન્ડેટ પર ઉમેદવારો ઉતરવાની જાહેરાત કરી છે. જેથી આગામી 16 ઓક્ટોબરે યોજાનારી નવસારી APMC ની 16 બેઠકો પર ભાજપ મેન્ડેટ આપી, સીધી રીતે પોતાના ઉમેદવારોને દાવેદારી કરાવશે.
કોંગ્રેસ સહકારી ક્ષેત્રમાં રાજકારણથી દૂર રહેશે
ભાજપ જ્યાં સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપી પોતાના મુરતિયા ઉતરવાની તૈયારીમાં છે, ત્યાં સામે પક્ષે કોંગ્રેસે સહકારી ક્ષેત્રમાં ભાજપની રાજકિય રીતે ઘુસણખોરી કરવાના કાવા દાવાના આક્ષેપો કર્યા છે. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં બિનરાજકીય લોકો ભાગ લેતા હોય છે. હાલ કોંગ્રેસમાં કોઈ મેન્ડેટ આપવાની વાત નથી અને સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જરૂર ન હોવી જોઈએ. જેથી કોંગ્રેસ નવસારી APMC માં કોઈપણ પ્રકારના રાજકારણથી દૂર રહેશે.

નવસારી APMC ની 16 બેઠકો માટે 705 મતદારો કરશે મતદાન
નવસારી APMC માં હાલની સ્થિતિ પ્રમાણે ખેડૂતો, સહકારી ખરીદ-વેચાણ મંડળીઓ અને વેપારી વર્ગ મળી કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં 10 બેઠકો ખેડૂતો, 2 બેઠક મંડળીઓ અને 4 બેઠકો વેપારીઓના ફાળે રહેશે. જેમના માટે 274 ખેડૂત મતદારો, 50 મંડળીના મતદારો અને 381 વેપારીઓના મતદારો મળી કુલ 705 મતદારો 16 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે.

નવસારી APMC માં અત્યાર સુધી ફક્ત 5 પ્રમુખો રહ્યા
નવસારી APMC નું ગઠન વર્ષ 1994 માં થયુ હતું. ત્યારથી 6 વર્ષ સુધી રમેશ વશી પ્રમુખ પદે રહ્યા હતા. જે બાદ 5 વર્ષ જયંતી વનમાળીભાઈ પટેલ, 5 વર્ષ મનહર લલ્લુભાઇ પટેલ અને વર્ષ 2008 થી અત્યાર સુધી એટલે કે 13 વર્ષ સુધી આશિષભાઈ નાયક પ્રમુખ પદે કાર્યરત રહ્યા છે. જોકે નવા APMC એક્ટ અનુસાર હવે આગામી પ્રમુખ નવા બનશે.
4 ઓક્ટોબરે મળશે ચૂંટણી માટેના નિયુક્તિ પત્ર ભરાશે
નવસારી APMC ની ચૂંટણી જાહેર થઈ છે અને આચાર સંહિતા પણ લાગી ગઈ છે. ત્યારે આગામી 4 ઓક્ટોબરે ચૂંટણી જંગ લડવા ઇચ્છુક ઉમેડવારોને નિયુક્તિ પત્ર ભરાશે. 5 ઓક્ટોબરે નિયુક્તિ પત્રોની ચકાસણી થશે અને 8 ઓક્ટોબર સુધીમાં નિયુક્તિ પત્ર પાછુ ખેંચવુ હોય તો ખેંચી શકાશે. જેના અઠવાડિયા બાદ 16 ઓક્ટોબરે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી APMC ના ભાવિ 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાશે. જ્યારે મતગણના 17 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે શરૂ થશે. એક તરફ ભાજપે APMC માં મેન્ડેટ આપી ચૂંટણી લડવાની તૈયારી કરી છે. ત્યાં કોંગ્રેસ રાજકારણથી દૂર રહેવાની વાત કરી રહી છે. જેને જોતા નવસારી APMC માં ચૂંટણી જંગ ખેલાવાની સંભાવના વધી છે.