નવસારી: નવસારીની બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નં. 4 માં માછીવાડના મચકડી (Navsari Aanganwadi issue) વિસ્તારમાં એક વર્ષ અગાઉ આંગણવાડીના નવા મકાનને મંજૂરી મળી હતી. પાલિકાએ અંદાજે 12.50 લાખ રૂપિયાના ખર્ચે નવું આંગણવાડી બનાવવાની કામગીરી આરંભી હતી. પાલિકાએ કોન્ટ્રાકટર સિદ્ધાર્થસિંહ ગોહિલને ગત 20 જાન્યુઆરી 2022 એ વર્ક ઓર્ડર આપ્યો હતો. ત્રણ મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતુ. પરંતુ સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થયુ અને કોન્ટ્રાકટરે પાલિકાના આશિર્વાદથી એક્સ્ટેન્શન્સ મેળવ્યું હતુ.
આ પણ વાંચો: બોનાન્ઝા બ્યુટી સલૂનની 7 બ્રાન્ચ પર GSTના દરોડા, 43 કરોડની રકમ ટાંચમાં
કોન્ટ્રાકટરની આળસ: પછીની સમય મર્યાદામાં પણ કોન્ટ્રાકટરની આળસ ભારે પડી અને આંગણવાડી બની નહીં. જેથી મહેરબાન શાસકોએ ફરી કોન્ટ્રાક્ટ ને ગત ઓકટોબર મહિનામાં સમય મર્યાદા વધારી આપી હતી. પરંતુ આજે 11 મહિના વિતવા છતાં પાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રીના જ વિસ્તારમાં આંગણવાડી પૂર્ણ થઈ શકી નથી. જેથી આંગણવાડીના નાના ભુલકાઓએ નજીકમાં આવેલી અને બન્યા બાદ ઓક્શન નહીં થવાને કારણે બંધ પડેલી નવનિર્મિત મચ્છી માર્કેટમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે.
કફોડી હાલત: શિયાળો, ઉનાળો, ચોમાસુમાં બાળકોએ મચ્છી માર્કેટમાં યોગ્ય રીતે બેસવાની વ્યવસ્થા નહીં હોવા છતાં ભણવું પડે છે. જ્યાં શૈક્ષણિક માહોલ પણ મળતો નથી. પાલિકાના શાસકો અને કોન્ટ્રાકટરની મિલી ભગતને કારણે આંગણવાડી એક વર્ષ થવા આવ્યુ છતાં બની ન હોવાના આક્ષેપો વિપક્ષ લગાવી રહ્યો છે. સાથે જ બાળકોના શિક્ષણને ધ્યાને રાખી પાલિકા વહેલામાં વહેલી તકે આંગણવાડીના કામને પૂર્ણ કરે એવી માંગ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ખેડૂતોની હાલત દયનીય, ખર્ચો નીકળે તેટલો પણ ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા શાકભાજી
માત્ર ખાતરી આપી: એક વર્ષથી આંગણવાડી પૂર્ણ ન થતાં કોન્ટ્રાકટર સિદ્ધાર્થસિંહ ગોહિલને કામની સમય મર્યાદા વધારી આપવામાં આવી રહી છે. જેમાં પાલિકાના સી. ઓ. નીલકંઠ અણઘડે આંગણવાડી મુદ્દે કંઇપણ બોલવા ના પાડી દીધી હતી. જોકે કોન્ટ્રાકટરને નોટિસ આપી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થાય તો પેનલ્ટી વસૂલવાનો રાગ આલાપ્યો હતો. જ્યારે સમગ્ર મુદ્દે પાલિકાના કારોબારી સમિતિના પ્રમુખ સુચેતા દુષાણેએ આંગણવાડી આગામી 15 દિવસોમાં બની જશેની વાત સાથે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની તૈયારી દર્શાવી પાલિકાનો બચાવ કર્યો હતો.