નવસારીઃ બોર્ડની પરીક્ષા દરમિયાન હતાશા નિરાશા કે ભય અનુભવતા વિદ્યાર્થીઓ માટે નવસારીમાં 'પરીક્ષા સાથી' હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. જેમાં 83 જેટલા નિષ્ણાંત શિક્ષકો વિવિધ વિષયોનું માર્ગદર્શન ફોન પર જ આપી દેશે. તેમજ આ હેલ્પલાઈનમાં 2 મનોચિકિત્સક પણ વિદ્યાર્થીઓને પરીક્ષાથી લાગતા ભય કે ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરશે. આ હેલ્પલાઈનને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ખૂબ આવકારી રહ્યા છે.
'પરીક્ષા સાથી' હેલ્પલાઈનઃ નવસારી જિલ્લા કલેક્ટર અમીત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ આ હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ધોરણ 12ના કુલ 15000 અને ધોરણ 10ના કુલ 28000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી તકલીફો તેમજ પરીક્ષાને લગતા ભયને દૂર કરવામાં આ હેલ્પલાઈન ઉપયોગી બની રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ હેલ્પલાઈનમાં વિષય નિષ્ણાંત શિક્ષકો અને મનોચિકિત્સકો જોડાયા છે.શિક્ષણ વિભાગે શરુ કરેલ હેલ્પલાઈનમાં વિદ્યાર્થીઓ માત્ર કોલ કરીને મુંઝવણનો ઉકેલ મેળવી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ ચૌધરી અને નિરીક્ષક રાજશ્રી ટંડેલ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં કલેક્ટર અમીત પ્રકાશ યાદવે 'પરીક્ષા સાથી' હેલ્પલાઈન લોંચ કરી હતી. તેમણે તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ હેલ્પલાઈન 1 જાન્યુઆરીથી શરુ થઈ છે જે 28 માર્ચ સુધી 24x7 કાર્યરત રહેશે.
કલેકટર અમીત પ્રકાશ યાદવની અધ્યક્ષતા અને તેમના માર્ગદર્શન હેઠળ અમે 'પરીક્ષા સાથી' હેલ્પલાઈન શરુ કરી છે. તા.1 જાન્યુઆરીથી શરુ થયેલ આ હેલ્પલાઈન તા. 28મી માર્ચ સુધી કાર્યરત રહેશે. જેમાં 83 નિષ્ણાંત શિક્ષકો વિવિધ વિષય પર વિદ્યાર્થીઓની મુંઝવણ ઉકેલશે. તેમજ શહેરના 2 મનોચિકિત્સકોના નંબર પણ આ હેલ્પલાઈનમાં જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન પર વિદ્યાર્થીને જે કંઈ પણ વિષયને લગતા પ્રશ્નો ફોન કરીને પૂછી શકે છે...રાજેશ્રી ટંડેલ(નિરીક્ષક, શિક્ષણ વિભાગ, નવસારી)
બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષાના ભયથી, ડીપ્રેશનથી આત્મહત્યાનું પગલું ભરી બેસે છે. અત્યારે આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ હેલ્પલાઈન વિદ્યાર્થીઓને મદદરુપ થશે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ તણાવ જોવા મળે છે. ખાસ કરીને માતામાં બહુ ચિંતા જોવા મળે છે. આ ચિંતા દૂર કરવા આ હેલ્પલાઈન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે જેનો અમે અભિન્ન અંગ બન્યા છીએ...ડૉ. ધર્મવીર ગુર્જર(તજજ્ઞ, નવસારી)
વિદ્યાર્થીઓ ડર, ભય, હતાશા, મુંઝવણ વિના પરીક્ષા આપે એ જ આ હેલ્પલાઈનનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આ હેલ્પલાઈન માટે અમે 100 જેટલા શિક્ષકોને 2થી 3 કલાકની ખાસ તાલીમ આપી છે. જેમાં મેમરી ટેકનિક, ડીપ્રેશન, સ્યુસાઈડ પ્રિવેન્શન, કાઉન્સેલિંગ જેવા વિષયોને આવરી લેવાયા છે. વિદ્યાર્થીના આગળના ભવિષ્ય માટે વહીવટી તંત્ર દ્વારા આ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. તો એનો ઉપયોગ કરવા અનુરોધ છે...ડૉ.ઇન્દ્રવર્ધન(મનોચિકિત્સક, નવસારી સિવિલ હોસ્પિટલ)
હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મને શાળામાં કોઈ વિષયલક્ષી મુંઝવણ હોય તો શિક્ષકો સોલ્વ કરી દે છે. જ્યારે ઘરે કોઈ પ્રશ્ન થાય તો તકલીફ પડે છે. તેથી આ હેલ્પલાઈન બહુ ઉપયોગી નિવડે છે. માત્ર કોલ કરીને વિદ્યાર્થીઓ પોતાને પડતી મુંઝવણનો ઉકેલ મેળવી શકે છે...નૂપુર ટેલર(પરીક્ષાર્થી, નવસારી)