નવસારી: નગરપાલિકામાં શુક્રવારે મળેલી બજેટ સભામાં કારોબારી પ્રમુખ પ્રેમચંદ લાલવાણીએ વર્ષ 2020-21નાં વર્ષનું 343.26 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં પાલિકાની 111 કરોડ રૂપિયાની આવક સામે સરકારી ગ્રાન્ટ આધારિત વિકાસની ગાથા લખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ પેરિસ બનાવવાનું સપનું સેવતા કારોબારી પ્રમુખ પ્રેમચંદ લાલવાણીને જૂની યોજનાઓને પૂરી કરવામાં હજી પૂર્ણતયા સફળતા મળી નથી.
આ સાથે જ ગત વર્ષોની સરખામણીમાં પાલિકાની આવકમાં ઘટાડો નોંધાયો હોવાના આંકડા વિપક્ષી નેતાએ સભામાં રજૂ કરી પાલિકાની આવકને વધારવા માટેના પ્રયાસો કરવાની સલાહ આપી હતી. જેમાં પણ પાલિકાએ વર્ષોથી બનાવેલા શોપિંગ સેન્ટરોની હરાજી ન થવાથી પાલિકાને કરોડોનું નુકશાન થઇ રહ્યું હોવાની વાત પણ તેમણે મૂકી હતી. જ્યારે અન્ય વિપક્ષી સભ્યોએ બજેટને અવાસ્તવિક ગણાવ્યું હતું અને વર્ષોથી એકના એક જ આંકડા બજેટમાં મુકાતા હોવાનાં આક્ષેપો કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, નવસારી નગરપાલિકામાં કોંગ્રેસના સમયમાં બજેટ 5 કરોડ રૂપિયાનું રજૂ થયુ હતું, પરંતુ વર્ષો વિતતા સત્તા બદલાવા સાથે જ બજેટનું કદ પણ વધીને 343.26 કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. જેમાં રેલ્વે ઓવરબ્રિજ, રીંગ રોડ, પાણી યોજના, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રેનબસેરા, સીટી બસ સેવા જેવી યોજનાઓ વર્ષોથી બજેટમાં દર્શાવાયા છે, પણ વર્ષો વિતવા છતા પણ આજ દિન સુધી પાલિકાની યોજનાઓ પૂર્ણ નથી થઇ શકી.