- બુલેટ ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શરૂ કરવાનો પ્રોજેક્ટ
- જમીન સંપાદન ન થવાથી બુલેટ ટ્રેનની ગતિ ધીમી પડી
- બે કિલોમીટર વિસ્તારમાં બનશે બુલેટ ટ્રેનનું રેલ્વે સ્ટેશન
નવસારી: ભારત સરકારે દેશમાં હાઇ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શરૂ કરવાનું સપનું સેવ્યુ હતુ. અમદાવાદથી મુંબઇ સુધી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી, સરકારે જમીન સંપાદનની પ્રક્રિયા 2 વર્ષ પૂર્વે આરંભી હતી. નવસારી જિલ્લાના 28 ગામોમાંથી પણ બુલેટ ટ્રેન પસાર થશે. જોકે ગુજરાતમાં નવસારી જિલ્લામાં જ જમીન સંપાદન ન થવાથી બુલેટ ટ્રેનની ગતિ ધીમી પડી છે, જેનું કારણ ઓછુ વળતર છે. ગુજરાત સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને જિલ્લાની વર્ષ 2011 ની જંત્રીને આધારે વળતર ચુકવવાની તૈયારી કરી છે. જયારે ખેડૂતો પોતાની ઉપજાઉ જમીનના બદલામાં બજાર કિંમતના ચાર ગણા વળતરની માંગ કરી રહ્યા છે. જેથી સરકાર જંત્રીની કિંમત વધારે એ અર્થે ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં ગુજરાત હાઈકોર્ટમાં વળતર મુદ્દે દાદ માંગી છે. જયારે વર્ષ 2013 માં યુપીએ સરકારમાં સુધારા સાથે આવેલા જમીન સંપાદન કાયદા આધારે સરકાર બજાર કિંમતના ચાર ગણા વળતરની ચુકવણી કરે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે. જેમાં જિલ્લાના મોટાભાગના અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાનું સમર્થન જાહેર કર્યુ છે.
એક જ ખેડૂતની જઇ રહી 35 વિઘા જમીન
નવસારી જિલ્લાના કેસલી અને પાટી ગામ નજીક અંદાજે બે કિલોમીટર વિસ્તારમાં બુલેટ ટ્રેનનું રેલ્વે સ્ટેશન બનશે. જેમાં અંદાજે 70 વીઘા જમીન સંપાદિત થશે, જોકે એમાંથી અડધી, 35 વીઘા જમીન પાટી ગામના એક જ ખેડૂત પરિવારની જઇ રહી છે. ખેતી કરીને ગુજરાન ચલાવતા પરિવારને મહામુલી જમીન જવાને કારણે ખેડૂત જ મટી જવાની ચિંતા સતાવી રહી છે. આ સાથે જ પરિવારનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવશે એની ચિંતા સાથે ખેડૂતે સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી ઉચ્ચારી છે.
ખેડૂત વિરોધી સરકારની નીતિ હોવાના આક્ષેપો
ગુજરાત સરકાર દ્વારા નવસારી જિલ્લામાં જંત્રીને આધારે જમીન સંપાદન કરવાની તૈયારી કરતા જ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા હાઇકોર્ટના નિષ્ણાત વકીલ આનંદ યાજ્ઞિકના સથવારે નવસારીના અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરી, ખેડૂત વિરોધી સરકારની નીતિ હોવાના આક્ષેપો સાથે સુરતના ઓલપાડ તાલુકાના 8 ગામોની જંત્રીમાં સુધારો કરીને વળતર ચુકવવામાં આવ્યું, તો નવસારીના તત્કાલીન કલેકટરનો અવાસ્તવિક જંત્રીનો રીપોર્ટ હોવા છતાં જંત્રીમાં વધારો કેમ નહિના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.આ સાથે જ વનપ્રધાને પોતાના વિસ્તારમાં ખેડૂતોને મદદ કરી, તો નવસારીના સાંસદ નવસારીના ખેડૂતોની મદદ ક્યારે કરશે તેની ચેલેન્જ પણ ફેંકી હતી.
સરકારના સમર્થક અસરગ્રસ્ત ખેડૂતોની આશા નિરાશામાં
બે વર્ષોની લડત બાદ પણ ગુજરાત સરકારે એકને ગોળ અને એકને ખોળની નીતિ અપનાવતા નવસારીના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જેથી સરકારના સમર્થક અસરગ્રસ્ત ખેડૂતોની આશા પણ નિરાશામાં પરિણમતા ખેડૂત સમાજનો સાથ ઝાલ્યો છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લામાં જમીન સંપાદન માટે 900 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે. પણ તંત્ર દ્વારા હાલ આ મુદ્દે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.