- વિજલપોરના જાગૃતિ દેસાઈને ઉપપ્રમુખ બનાવાયા
- પાલિકાને વિકાસના પંથે લઈ જવાની નવનિયુક્ત પ્રમુખનું આશ્વાસન
- પ્રમુખ, ઉપપ્રમુખની વરણીના ઉત્સાહમાં ભાજપીઓ કોરોનાને ભુલ્યાં
- નવા ચહેરાની વાતો વચ્ચે અનુભવીને માથે પ્રમુખનો તાજ પહેરાવાયો
નવસારી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારી- વિજલપોર નગરપાલિકાના 13 વૉર્ડની 52 બેઠકોમાંથી ભાજપે 51 બેઠકો કબ્જે કરીને ઐતિહાસિક જીત મેળવી હતી. નવા વિસ્તાર સાથે જ ચૂંટાયેલા નવનિયુક્ત નગરસેવકોમાંથી પ્રમુખ પદ માટે લોબિંગ શરૂ થઈ હતી. જેમાં નવસારી અને વિજલપોર પાલિકાના ગત ટર્મના ધુરંધરો લાઈનમાં હતા. પરંતુ સ્થાનિક નેતાઓની ખેંચતાણમાં નવા ચહેરાની તાજપોશી થવાની સંભાવના વર્તાતી હતી. જોકે બધાના આશ્ચર્ય વચ્ચે આજે નવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખ પદ માટે નવસારી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં પાલિકા પ્રમુખનો તાજ ગત ટર્મના નગરસેવક તેમજ જિલ્લા ભાજપ પ્રમુખના નજીકના ગણાતા જીગીશ શાહના સિરે મૂકવામાં આવ્યો હતો. જ્યારે પાલિકાના ઉપપ્રમુખ પદે વિજલપોર વિસ્તારના વૉર્ડ નંબર 9થી ચૂંટાયેલા જાગૃતિ દેસાઈ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થતા જ ભાજપીઓએ ઉત્સાહ સાથે બંનેને વધાવી લીધા હતા. આ સાથે જ એકબીજાને મોં મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી
શુભેચ્છા આપવાના ઉત્સાહમાં ભાજપીઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ ભુલ્યા
નવસારી- વિજલપોર નગરપાલિકાના સભાખંડમાં આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપીઓ કોરોનાને ભુલ્યા હતા. જાણે કોરોના મહામારી જતી રહી હોય, એમ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થયુ ન હતુ. સભાખંડમાં ભાજપી અને કોંગ્રેસી આગેવાનો સાથે કાર્યકર્તાઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં આવી ચડ્યાં હતા. જેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવાયું ન હતું. સાથે જ ઘણા લોકો માસ્ક વગર દેખાયા હતા. સૌથી મહત્વની વાત પાલિકાના વહીવટદાર તેમજ પ્રાંત અધિકારી અને સીઓએ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવી શક્યા ન હતા.
પ્રમુખની વરણી બાદ જીગીશ શાહે વિજય મુર્હતમાં ચાર્જ સાંભળ્યો
નવસારી- વિજલપોર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખનો તાજ પહેર્યા બાદ જીગીશ શાહે વિજય મુર્હતમાં માતાના આશિર્વાદ સાથે પાલિકા પ્રમુખનો ચાર્જ સાંભળ્યો હતો. તેમજ નવસારીને વિકાસના નવા પંથે લઈ જવાની વાત સાથે શહેરમાં રખડતા ઢોર અને પીવાના પાણીની સમસ્યાનું વહેલી તકે સમાધાન લાવવાનું આશ્વાસન આપ્યુ હતુ.
આ પણ વાંચો : ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ વરણી