નવસારી: હાલ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. જેને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો દ્વારા ભગવાનને કિંમતી ભેટ સોગાતો ચઢાવી ધન્યતા પ્રાપ્ત કરે છે. ત્યારે અમુક ચોર ગેંગો લોકોના ઘરો કે દુકાનો સાથે મંદિરમાં પણ ભગવાનના કિંમતી આભૂષણોની ચોરી કરી ભગવાનને પણ છોડતી નથી. નવસારીના સાતેમ ગામે દેરાસર ફળિયામાં રાત્રિના એક વાગ્યા દરમિયાન 45 વર્ષ જૂના જૈન દેરાસરના તાળા તોડી તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું.
ભગવાનના કિંમતી આભૂષણોની ચોરી: ચોર ટોળકી દ્વારા મંદિરના પાછલા ભાગમાંથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ભગવાનને ચઢાવવામાં આવેલા પ્રાચીન ચાંદીના મોટા અને નાના મુગટ કાનના કુંડળ જેવા ભગવાનના કિંમતી આભૂષણો પર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ એક લાખ 45 હજારની ચોરી કરીને નાસી ગયા હતા.
ઘટના CCTV કેમેરામાં કેદ: ચોરીની ઘટના મંદિરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં ચોરો ઘટનાને શીફતપૂર્વક અંજામ આપી પરત ફરી રહ્યા છે. જે સ્પષ્ટપણે દેખાય આવે છે. સમગ્ર ચોરીની ઘટનાને લઈને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
" સાતેમ ગામે જૈન દેરાસરમાં ભગવાનના કિંમતી આભૂષણો જેની કિંમત એક લાખ 45 હજાર જેને રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા છે. જેને લઈને પોલીસ દ્વારા મંદિરની આસપાસ અને ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે." - એસ કે રાય, DYSP, નવસારી
પોલીસની ઊંઘ હરામ: જિલ્લામાં ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં પણ નવસારીના ચીખલી તાલુકામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય બની ચોરીને ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે ચોરીને અંજામ આપવા જતા ચડ્ડી બનિયાનધારી ગેંગને ભાગવાનો વારો પણ આવ્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. પરંતુ તસ્કરો નવસારી જિલ્લા પોલીસને હાથ તારી આપી ફરી જિલ્લામાં અન્ય જગ્યાએ ચોરીને અંજામ આપી પોલીસની ઊંઘ હરામ કરી છે. જેને લઈને પોલીસ વિભાગ પણ આવા ચોરોને પકડવા માટે કમર કસી છે.