- પ્રેમમાં નિષ્ફળતા મળતાં 18 વર્ષીય યુવતીએ એસીડ ગટગટાવ્યુ
- ત્રણ યુવાનોએ ઝેરી દવા પીતા સારવાર હેઠળ
- આત્મહત્યાના કિસ્સાઓ વધતા લોકોમાં સહનશક્તિ ઘટી હોવાનું તારણ
નવસારી : જિલ્લામાં જલાલપોર, ચીખલી અને નવસારી તાલુકામાં 24 કલાકમાં ચાર યુવાનોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નવસારીમાં પારસી હોસ્પિટલ પાસે સરકારી આવાસમાં રહેતા નિલેશ ધાંધલીયા-મેલ હેલ્થ વર્કર તરીકે સાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત છે. અત્યારે કોરોનાની કામગીરીને કારણે કામના ભારણથી હતાશ થયેલા નિલેશે PHCમાં મચ્છર મારવાની દવા પાણીમાં ઘોળીને પી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં સહકર્મીઓએ તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. તેની તબિયતમાં હવે સુધારો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
નાપાસ થવાના ડરે ઉંદર મારવાની ડામરની દવા પીધી
બીજી ઘટનામાં નવસારીના મહુડી ગામે રહેતા વિનય રમેશભાઈ પટેલ, કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેની અત્યારે પરીક્ષા ચાલી રહી છે. જેમાં ત્રણ પ્રશ્નપત્ર સારા ગયા ન હોવાથી ચિંતામાં હતો. જેણે હતાશામાં નાપાસ થવાના ડરે પોતાના ઘરે ઉંદર મારવાની ડામરની દવા ગટગટાવી લીધી હતી. જેને પરિવારજનોએ તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
માતા-પિતાને પસંદ ન હોવાથી યુવાન સાથે સંબંધ ન રાખવા જણાવ્યું
ત્રીજી ઘટનામાં નવસારીના છાપરા રોડ પર પંચવટી સોસાયટી નજીકના આ પડાવમાં રહેતા રમેશ વનસિંગ વળવીએ પોતાના પડાવના ઝૂપડામાં કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જેને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત રીફર કરવામાં આવ્યો છે. જ્યારે અંતિમ ઘટનામાં ગણદેવીના આંકલિયા ગામની પ્રતિક્ષા વિનોદભાઈ પટેલ, ગામના જ કોઈ યુવાન સાથે પ્રેમ કરે છે. જે માતા-પિતાને પસંદ ન હોવાથી યુવાન સાથે સંબંધ ન રાખવા જણાવ્યું હતુ. ચાર મહિનાથી પ્રતિક્ષાને ચીખલીના દેગામ ગામે તેના મામાના ઘરે મોકલી આપી હતી.
તમામ ઘટનાઓમાં પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધાવી
ત્યાં ઘરકામ બાબતે પ્રતિક્ષાને ઠપકો આપતા આવેશમાં આવી તેણે ઘરમાં મુકેલી એસિડની બોટલમાંથી 2 ઘુંટ ગટગટાવી લીધા હતા. જેની જાણ થતાં પરિવારજનોએ તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં તેની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યુ હતું. આ ઉપરોક્ત તમામ ઘટનાઓમાં પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ કાર્યપાલક મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં મરણોત્તર નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ગત મહિને ચાર યુવાનોએ નદીમાં કૂદીને કર્યો હતો આત્મહત્યા
જિલ્લામાં ગત મહિનામાં પ્રેમ અથવા આર્થિક હતાશાને કારણે ચાર યુવાનોએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. જેમાં નવસારીના વેરાવળ ગામે પૂર્ણા નદીના પુલ પરથી ગત 5 જુલાઇએ દર્શન સાવલિયા, 17 જુલાઈએ અનીલ પટેલે આર્થિક તંગીમાં અને 28 જુલાઇએ અજાણ્યા યુવાને મોતની છલાંગ લગાવી હતી. જેમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો નથી. જ્યારે 29 જુલાઈએ ગણદેવીના અમલસાડના કાયાતળાવના મીત મહેતાએ પ્રેમમાં નિષ્ફળ જતાં અંબિકા નદીમાં કુદીને આત્મહત્યા કરી હતી.
આર્થિક તંગી કે પ્રેમમાં હતાશા, આત્મહત્યાના મુખ્ય કારણ - ધર્મેશ કાપડિયા
આત્મહત્યાના કિસ્સાઓ મુદ્દે નવસારીના શિક્ષણવિદ્દ ધર્મેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, આત્મહત્યા પાછળના કારણોના વિશ્લેષણમાં બે મુખ્ય કારણ સામે આવ્યા છે. જેમાં આત્મહત્યા કરનારા આર્થિક તંગી અથવા પ્રેમમાં નિષ્ફળતાને કારણે હતાશામાં સરી પડ્યા પછી અંતિમ પગલું ભરી લે છે. બે વર્ષોથી એક સર્વે અનુસાર, કોરોનાને કારણે 30 ટકા લોકો બેરોજગાર થયા છે.
કોરોનાને કારણે લોકોની સહનશક્તિ પણ ઘટી
કોરોનાને કારણે ઘણાની આવક ઘટીને 70 ટકાથી ઓછી થઈ ગઈ છે. જેથી લોકોએ આ સ્થિતિમાં પોતાના ખર્ચા ઘટાડવાનો પ્રયાસ કરીને તંગ આર્થિક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યારે સામાજિક સ્તરે પ્રેમ-વિવાહ કે પ્રેમસંબંધો માટે મોકળા મને વિચારવાની જરૂર છે. જોકે, હાલની સ્થિતિમાં લોકોની સહનશક્તિ ઘટી છે, જેને કારણે પણ લોકો કામના ભારણ અને વિદ્યાર્થીઓ પરીક્ષાનું દબાણ સહન નથી કરી શકતા અને અવિચારી પગલું ભરી લે છે.