નવસારીઃ જિલ્લામાં કુલ 1292 લોકો વિદેશથી આવ્યા હતા. જેમની યાદી બનાવી આરોગ્ય વિભાગની ટીમે હોમ કોરેન્ટાઈન હેઠળ રાખ્યા હતા. જેમાંથી હજી 452 લોકો હોમ કોરેન્ટાઈનમાં છે. ઉલ્લેખનિય છે કે, નવસારીમાં અત્યાર સુધીમાં 14 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં છે, જેમાંથી 12 લોકોના રિપોર્ટ નેગેટિવ અને 2 ના રિપોર્ટ પેન્ડિંગ છે.
આરોગ્ય કર્મીઓ દ્વારા મળેલા નામ અને સ્થળે પ્રવાસીઓને વેરીફાય કર્યા બાદ તેમને 14 દિવસ સુધી હોમ કોરેન્ટાઈનમાં રખાયા હતા. સાથે જ સમયાંતરે તેમની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 840 લોકોનો કોરેન્ટાઈન પિરિયડ પુરો થયો છે. જેમાંથી 5 વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને નવસારી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રખયા હતા અને તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 6 વ્યક્તિઓમાં પણ કોરોનાના લક્ષણો જણાયા હતાં, જે તમામના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. હજી સુધી 452 લોકો હોમ કોરેન્ટાઈન હેઠળ છે, જેમના પર આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યુ છે.
નવસારીના રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. મેહુલ ડેલીવાળાએ જણાવ્યું કે, નવસારી જિલ્લામાં કોરોનાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લાના 3 લાખ 20 હજાર 303 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 14,,09,175ની વસ્તીને આવરી લેવામાં આવી હતી. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 14 દર્દીઓમાં કોરોના સંક્રમણના લક્ષણો જણાયા હતા, જેમાંથી 12 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને બે લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે.