નવસારી: અરબ સાગરને કિનારે વસેલા નવસારી જિલ્લાના ગામોની નજીક તેમજ અરબ સાગરમાં ડોલ્ફિન માછલીઓ જોવામાં આવતી હોય છે. પરંતુ અરબ સાગરમાંથી પૂર્ણા નદીમાં છેલ્લા થોડા દિવસોથી લોકોને આકર્ષિત કરતી ડોલ્ફિન માછલીઓ ઉછાળા મારી તરતી જોવા મળી રહી છે. હમ્પબેક પ્રજાતિની ડોલ્ફિન માછલીઓ ખાસ કરીને વસંત ઋતુ અને શિયાળામાં દક્ષિણ ગુજરાતના દરિયામાં જોવા મળે છે. જેમાં પણ આ સમયમાં ક્યારેક પ્રજનન પણ કરતી હોય છે. અગાઉ ગુજરાતના ભાવનગર, જામનગર વગેરે વિસ્તારોમાં દેખાતી ડોલ્ફિન હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે આરામથી ઉછાળા મારતી જોવા મળે છે.
નવસારીની પૂર્ણા નદીમાં પણ ગત ત્રણ-ચાર દિવસોથી બે હમ્પબેક ડોલ્ફિન તેના ત્રણ બચ્ચાઓ સાથે જોવા મળી રહી છે. જલાલપોરના બોદાલીથી નવસારીના વિરાવળ સુધી ભરતીના સમયે ડોલ્ફિન પૂર્ણામાં ફરી રહી છે. પૂર્ણા નદીમાં ડોલ્ફિન ફરતી હોવાની વાતો કિનારાના ગામોમાં ફેલાતા જ બપોરથી સાંજના સમયે લોક ટોળું નદી કાંઠે ડોલ્ફિનને જોવા ઉમટી પડે છે, તેમજ લોકો ડોલ્ફિનને પોતાના મોબાઈલ ફોનમાં કંડારતા પણ જોવા મળે છે.
નવસારીના પ્રાણી વિજ્ઞાની રાજેન્દ્ર દેસાઈના મતે વર્ષ 1960 સુધી ગુજરાતના દરિયા કિનારે મોટા પ્રમાણમાં હમ્પબેક વ્હેલ અને હમ્પબેક ડોલ્ફિન વધુ જોવા મળતી હતી. જોકે બાદમાં તેનો શિકાર વધવાને કારણે અરબ સાગરના કિનારે વ્હેલ ઓછી જોવા મળે છે, પરંતુ ડોલ્ફિનને ઠંડુ વાતાવરણ અનુકુળ હોવાથી શિયાળા અને ઉનાળાના પ્રારંભે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે, જે સામાન્ય બાબત છે. ખાસ કરીને ડોલ્ફિનને નદી અને સાગરનાં મિલન સ્થળ એવા મુખ પ્રદેશમાં વધુ જોવા મળે છે. જે ખોરાકની શોધમાં ભરતીના સમયમાં નદીમાં અંદર પણ આવી જાય છે અને જો નદીમાંથી દરિયામાં ન જઈ શકે તો તેને રેસ્ક્યુ કરવું જરૂરી થઈ જાય છે. જયારે ડોલ્ફિનની પ્રજનનની કોઈ સિઝન નથી હોતી, પણ વસંત ઋતુનાં પ્રારંભે બચ્ચાને જન્મ આપતી હોય છે.
ઉલ્લેખનિય છે કે, નવસારીના કાંઠાના ગામોમાં અને પૂર્ણા નદીમાં ડોલ્ફિન માછલીઓ દેખાવાની વાત હવે નવસારી માટે સામાન્ય હોવાનું નવસારીની એનિમલ સેવિંગ્સ સોસાયટીના સ્વયંસેવક ચિંતન મહેતાએ જણાવી હતી. થોડા મહિનાઓ અગાઉ જલાલપોરના એક કાંઠાના ગામમાં ડોલ્ફિન ફસાઈ હતી, જેને રેસ્ક્યુ કરીને દરિયામાં છોડવામાં આવી હતી. જયારે ગત દિવસોમાં જલાલપોરના દિપલા ગામના દરિયા કિનારે એક મૃત ડોલ્ફિન પણ મળી આવી હતી.