નવસારી : કોરોના વાઈરસની વકરતી મહામારીની સામે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પણ સતર્કતા સાથે જ આરોગ્ય સુવિધાઓમાં વધારો કરાયો છે. જેમાં સોમવારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલ સિવાય જિલ્લાની બે ખાનગી હોસ્પિટલોને 100-100 બેડની કોવીડ-19 હોસ્પિટલો જાહેર કરવા સાથે જ તેમાં કોરોનાને માત આપવા માટે તમામ જરૂરી આરોગ્ય સાધનો સાથે સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ બંને હોસ્પિટલોના સુચારૂ સંચાલન માટે સંચાલક કમિટી પણ ગઠિત કરવામાં આવી છે.
વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારી ભારતમાં પણ વકરી રહી છે. ભારતમાં જ્યાં કોરોના પોઝિટિવ કેસો ગત મહિનાનાં અંત સુધીમાં ઓછા હતા, ત્યાં હવે થોડા જ દિવસોમાં કોરનાનાં કેસોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં પણ મેટ્રો સીટીઝમાં કોરના બીજા સ્ટેજને છોડીને કોમ્યુનીટીમાં ન ફેલાય એ માટે ઘણા વિસ્તારોને માસ કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. ત્યારે નવસારીમાં 33 કોરોના શંકાસ્પદ કેસો મળ્યા બાદ તમામના રીપોર્ટ નેગેટીવ આવતા નવસારીમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતાં રાજ્ય સરકારનાં આદેશાનુસાર આરોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
સોમવારે નવસારી જિલ્લા કલેક્ટર આદ્રા અગ્રવાલે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી નવસારીની યશફીન હોસ્પિટલ અને વાંસદાની ઉદિત હોસ્પિટલમાં 100 બેડની કોવીડ-19 હોસ્પિટલ બનાવાઇ છે. બંને હોસ્પિટલમાં આઈસીયુ, વેન્ટીલેટર્સ, એક્ષ-રે મશીન, મલ્ટી પેરા મોનીટર, ઓક્સિજન સિલીન્ડર, એમ્બ્યુલન્સ સહિત તમામ સુવિધાઓ મળી રહે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ બેઠકમાં N-95 માસ્ક, પીપીઈ સુટ, દવાઓ, કન્સ્યુએબલ આઈટમ્સ, મેન પાવર, નર્સિંગ સ્ટાફની યાદી બનાવવા સાથે જ પાવર સપ્લાય સુધીના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ બંને હોસ્પિટલો માટે સંચાલન કમિટી પણ બનાવવામાં આવી છે. જેમાં યશફીન હોસ્પિટલ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી. કે. હડુલા, હોસ્પિટલના સંચાલક મેહમુદ મુલ્લા, ડેપ્યુટી એનાવાયરમેન્ટ ઓફીસર એ. ઓ. ત્રિવેદી, નવસારી વન વિભાગના એ.સી.એફ એમ. યુ. શેખ તથા નવસારીના રાજ્યવેરા અધિકારી એમ. ડી. પરમારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉદિત હોસ્પિટલ પ્રાયોજના વહીવટદાર આર. એસ. પારગી, હોસ્પિટલ સ્નાચાલક ડો. રમેશ પટેલ, વાપી જીપીસીબીના સાયન્ટીફીક ઓફીસર એસ. વી. પટેલ, ડાંગના એ. સી. એફ. રોહિત ચૌધરી તથા બીલીમોરાનાં રાજ્ય વેરા અધિકારી ભરત પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. કમિટી બંને હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓનું નિરિક્ષણ કરવા સાથે જરૂરીયાતો જાણકારી મેળવી તેને ઉપલબ્ધ કરાવશે.
આ બેઠકમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક, અધિક કલેક્ટર કમલેશ રાઠોડ સહિતના વહીવટી અધિકારી અને હોસ્પિટલના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.