નવસારી: ભારતમાં કોરોનાની મહામારી રોકવા માટે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. જેમાં મુંબઇ પણ લોકડાઉન થતા ત્યાંના ભાઉચા ધક્કા બંદર પણ બંધ થતાં ગુજરાતની 85થી વધુ ટ્રોલર બોટોના માલિકોએ મહારાષ્ટ્રનું બંદર બંધ હોવાની બીકે દરિયામાંથી ગુજરાત તરફ ફંટાવાનો નિર્ણય કર્યો હતો. જે બોટો અરબી સમુદ્રના રસ્તે નવસારીના ધોલાઈ બંદર નજીક પહોંચી હતી અને ધોલાઈ બંદરે લાંગરવાની તૈયારી કરી હતી. પરંતુ બાદમાં 40 બોટો વલસાડ તરફ ફંટાઈ હતી. ત્યારે નવસારીના ધોલાઈ બંદરે આજે 10 બોટો લાંગરી હતી. તેમાંના 104 માછીમારોની બંદર પર જ આરોગ્ય તપાસ હાથ ધરાઈ હતી.
દક્ષિણ ગુજરાતની ઘણી ટ્રોલર બોટો મુંબઈના ભાઉચા ધક્કા બંદરેથી આરબ સાગરમાં માછીમારી કરે છે. 15 દિવસ અગાઉ મુંબઈથી ગુજરાતની 85થી વધુ બોટો દરિયામાં માછીમારી માટે ગઇ હતી. દરમિયાન કોરોના વાયરસની મહામારી ભારતમાં વધુ વિકટ બનતા દેશના રાજ્યો લોકડાઉન થવા લાગ્યા હતા. જેમાં મહારાષ્ટ્ર લોક ડાઉન થવા સાથે રાજ્યની સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. ત્યારે દરિયાઈ સરહદે પણ મહારાષ્ટ્રે ચોક્કસાઈ દાખવી ભાઉચા ધક્કા બંદર પણ બંધ કર્યું છે. જેના કારણે દરિયામાં માછીમારી કરવા ગયેલી ગુજરાતની બોટના ટંડેલો ચિંતામાં મૂકાયા હતા અને તેમણે મુંબઇ જવાને બદલે ગુજરાત તરફ આવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ગુજરાતના મત્સ્યોદ્યોગ વિભાગનો સંપર્ક કરતા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઈ બંદરે લાંગરવાની તૈયારી કરી હતી.
આજે દરિયામાં બપોરની ભરતીના સમયે બોટો ધોલાઈ બંદર નજીક પહોંચી હતી. જેમને મરીન પોલીસે દરિયામાં પેટ્રોલિંગ સાથે બંદર સુધી પહોંચાડી હતી. સાથે બંદર પર પણ ચુસ્ત બંદોબસ્ત સાથે જિલ્લા મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે મળી બોટો પર સવાર ટંડેલ અને તેની ટીમને એક પછી એક ઉતારી પ્રથમ આરોગ્ય તપાસ કરાવી હતી. જેમાં 10 બોટોના 104 માછીમારોને કોરોનાના લક્ષણો છે કે નહીં તેની તપાસ કહેવામાં આવી હતી. સાથે જ તમામ માછીમારોને સેલ્ફ કોરોન્ટાઇનમાં રાખવાની કવાયદ પણ કરવામાં આવી હતી. જ્યારે આ માછીમારોની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી છે કે કેમ એ પણ ચકાસવામાં આવશે. જેથી કોરોનાને હરાવવામાં તંત્ર દ્વારા કોઈ ચૂક રહી ન જાય.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલે પણ દરિયામાં ફસાયેલી બોટો ભરતીના સમયે ધોલાઈ બંદરે લાંગરશે. જેને લઈને પણ તંત્રએ તૈયારીઓ કરી છે. ધોલાઈ બંદરે આરબ સાગરમાંથી માછીમારી કરીને પરત ફરલી બોટોના માછીમારોને તપાસવા માટે બંદરે હંગામી મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં એક મેડિકલ ઓફિસર સાથે 6 ડોક્ટરો તેમજ 8 આરોગ્ય કર્મીઓ અને 7 આશાઓ મળી કુલ 22 આરોગ્ય કર્મીઓની ટીમ ગોઠવાઈ હતી. જેમને માછીમારોમાં કોરોનાના તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો તપાસ્યા હતા.