નવસારી : વર્ષો અગાઉ ખેડૂતોએ પોતાની જમીનોમાં રાસાયણિક ખેતીની શરૂઆત કરી વધુ ઉત્પાદન મેળવવાની શરૂઆત કરી હતી. જેથી વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતોએ પોતાની ખેતી વાળી જમીનમાં વધુ પડતા રસાયણોનો ઉપયોગ કરતા ઉપજાઉ ખેતીની જમીન બંજર થવા માંડી હતી. જેથી આ બંજર જમીનો ફરી ઉપજાવ જમીન બને તે હેતુસર ઘણા સંશોધનો થયા છે. જેમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ મહત્વનો વિકલ્પ હોવાનું તરી આવ્યું છે.
મહિલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા, જેમાં મહત્વના નફાનો ભાગ તો રાસાયણિક ખાતરોમાં જતો હતો અને વધુ ઉત્પાદનની લાલચમાં અમારી જમીનો પણ પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી હતી. ત્યારબાદ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ફરતા તેના ઘણા ફાયદા અમને દેખાઈ રહ્યા છે. નિભાવ ખર્ચ ઓછો થાય છે અને નફો વધુ મળે છે, સાથે ગુણવત્તા યુક્ત પાક મળવાથી તેના ભાવો પણ અમને બજારમાં વધુ મળે છે અને વેચવા જવાની જરૂર પડતી નથી લોકો ઘર બેઠા આવીને અમારો માલ ખરીદે છે.
મહિલા ખેડૂતો માટે પરી સંવાદ યોજાયો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના પ્રયાસો થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની 1 હજારથી વધુ મહિલા ખેડૂતો માટે એક "મહિલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના ફાયદા અને નુકસાન વિશે જણાવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના કારણે બંજર થઈ ગયેલી જમીનમા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી પોતાની બંજર જમીનમાં ગુણવત્તા યુક્ત પાકનું ઉત્પાદન લઈ પોતાના ખેતર ફરી હરિયાળા બનાવી દીધા હતા. જેને લઇને કૃષિ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થયા હતા જેનું ઉત્તમ ઉદાહરણ આપી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.