નવસારીઃ વિશ્વમાં કોરોનાની માહામારી વધી રહી છે અને જેને નાથવા માટે સામાજિક અંતર જ મહત્વનું પાસું સાબિત થઇ શકે છે. ત્યારે સવા અબજની વસ્તી ધરાવતા ભારતમાં કોરોનાની મહામારી ન ફેલાય તેમાટે સરકાર દ્વારા સમગ્ર દેશને 14 એપ્રિલ સુધી તાળેબંધી કરી છે.
જયારે ભારતમાં કોરોનાથી સંક્રમિત 1000થી વધુ દર્દીઓ જણાયા છે, જેમાં ગુજરાત પણ સદી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોના સામેની લડાઈનાં મુખ્ય લડવૈયાઓમાંના ડૉક્ટર અને નર્સ માટે ભારત સરકારે 50 લાખ રૂપિયાનું વીમા કવચ જાહેર કર્યું છે. ત્યારે પોલીસ અને પત્રકારો પણ કોરોના સામે એજ પ્રકારે લડી રહ્યા છે.
તેમને પણ સરકાર દ્વારા વીમા કવચ આપવામાં આવે એવી ભાવના સાથે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સોમવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં મહામારીના સંકટ દરમિયાન ડૉક્ટર અને નર્સની જેમ જ ઝઝુમતા પોલીસ અને પત્રકારોને પણ સરકાર 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપે એવી માંગણી કરવામાં આવી છે.