'ક્યાર' અને ત્યારબાદ 'મહા' વાવાઝોડું ગુજરાતને ઘમરોળી રહ્યુ છે. વાવાઝોડાની માઠી અસર માત્ર ખેડુતોને જ નહી સાગરખેડુઓ ઉપર પણ થઈ રહી છે. સરકાર દ્વારા ખેડુતોને આશ્વાસન અપાયુ છે. પરંતુ માછીમારો માટે સરકારે કોઈ જાહેરાત કરી નથી. તંત્રની સખ્ત મનાઈ હોવા છતા વાત રોજગાર અને પરિવારના ભરણપોષણની હોય માછીમારોએ જીંદગીની ચિંતા કર્યા વગર દરિયાના તોફાની મોજાં સામે જંગ લડી રહ્યા છે.
માત્ર નવસારી જિલ્લાની જ દોઢ હજાર જેટલી મોટી બોટ લઈ સેંકડો માછીમારો દરિયો ખેડવા જાય છે. તંત્રની મનાઈ હોવાથી નવસારીના માછીમારોને અંદાજીત 2 કરોડથી વધુનું નુકસાન થયું છે. ચક્રવાતના કારણે દેશના અર્થતંત્રને મજબૂત કરતા મત્સ્ય ઉદ્યોગના પૈડાં થંભી ગયા છે. દેશને વિદેશી હૂંડિયામણ આપતો ઉદ્યોગ બંધ થતાં સાગરપુત્રોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે.
હાલમાં માછીમારીની સીઝન ચાલી રહી છે. જો હમણાં માછીમારી ન કરે તો તેમને આખા વર્ષ માટેના આર્થિક પ્રશ્નો વેઠવા પડે. જેથી પેટ માટે માછીમારો તોફાનને પડકારી રહ્યા છે. નવસારીના દરિયાકાંઠે સાગરખેડુઓ માછીમારી કરવા જતાં નજરે ચઢ્યા છે. જો કે, તેમની ઉપજ પર તો અસર પડી જ છે. એક માછીમારને દૈનિક સરેરાશ દોઢથી બે લાખનું નુકસાન થઈ રહ્યુ છે. સરકાર તેમને પણ સહાય આવે તેવી લાગણી અને માગણી માછીમારોમાં ઉઠી રહી છે.