- નવસારીમાં PNG ગેસની લાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી હતી
- PNG ગેસ લાઇન સાથે CNG લાઇન પણ નજીકથી જ થાય છે પસાર
- આગને કારણે 4 કિમીના રેડીયસમાં ઘરેલુ ગેસ બંધ કરાયો હતો
નવસારીઃ નવસારીના ગ્રીડ(Navsari Grid) નજીક રસ્તાની બાજુમાંથી પસાર થતી PNG ગેસની લાઇનમાં લીકેજ(Leakage in PNG gas line) થતા આગ ભભૂકી હતી. આગને લઈને ઘટના સ્થળેથી પસાર થતા રાહદારીઓમાં અફરાતફરી ફેલાઈ હતી. જોકે નવસારી ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગને કારણે 4 કિમીના રેડીયસના ઘરોમાં ઘરેલુ ગેસ બંધ થતાં ગૃહિણીઓની સવારની રસોઈ અટવાઈ હતી.
સ્થાનિક દુકાનદારો સહિત રાહદારીઓમાં ભય જોવા મળ્યો
વિજલપોર(Vijalpor)ના પૂર્વ પ્રવેશદ્વાર ગ્રીડના અહિંસા દ્વાર પાસેથી રસ્તાની બાજુમાંથી અંડરગ્રાઉન્ડ PNG ગેસની મુખ્ય લાઇન(Main line of PNG gas) પસાર થાય છે. જેની બાજુમાંથી જ CNG ગેસ લાઇન પણ પસાર થાય છે. સાથે GEB અને BSNL ના અંડરગ્રાઉન્ડ વાયરો(GEB and BSNL underground wires) પણ અહીંથી જ પસાર થાય છે. જેની ઉપર જ ડ્રેનેજ લાઇન પણ હોવાથી સમગ્ર વિસ્તાર ઘણો સેન્સેટિવ છે. સવારે લગભગ 9 વાગ્યા પૂર્વે PNG લાઇનમાં લીકેજ સર્જાવાને કારણે નજીકમાં જ આવેલી ડ્રેનેજની કુંડીમાંથી આગની જ્વાળાઓ ઉઠવા માંડી હતી. ધીરે ધીરે આગે રૌદ્ર રૂપ ધારણ કરતા જ્વાળાઓ 20 ફૂટથી ઊંચી ઉઠતા સ્થાનિક દુકાનદારો સહિત રાહદારીઓમાં ભય જોવા મળ્યો હતો.
ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 4 ફાયર ફાઈટરોથી પાણીનો મારો ચલાવી સાથે 5 ફોમના કેરબાઓની મદદથી આગને ઓલવી હતી. લાશ્કરોની સમયસુચકતા અને આગ પર વહેલો કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. કારણ PNG ની નજીકમાંથી જ CNG ની હાઇપ્રેશર ગેસ લાઇન પસાર થાય છે, જોકે ગુજરાત ગેસની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ આગને કાબુમાં કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. ટીમના ઉપરી અધિકારીઓ દ્વારા તાત્કાલિક PNG, CNG ગેસ લાઈનનો પુરવઠો બંધ કરાવી દીધો હતો. સાથે GEB ની ઈલેક્ટ્રિક લાઇનનો વીજ પુરવઠો પણ બંધ કરાવતા આગ વહેલી ઓલવાઈ હતી અને તમામ વિભાગ તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
PNG લાઈનમાં ઇન્ટરનલ લીકેજ થી આગ લાગી હોવાનું અનુમાનઃગૌરવ કાપડિયા
આગ લાગવા મુદ્દે ગુજરાત ગેસ કંપનીના અધિકારી ગૌરવ કાપડીયાએ જણાવ્યું કે પ્રાથમિક તબક્કે PNG લાઈનમાં ઇન્ટરનલ લીકેજ હોવાને કારણે અને ડ્રેનેજ પણ નજીક હતી, જેમાં કચરો પણ હતો, જેથી આગ લાગી હોય એવું અનુમાન છે. જોકે અમારા સિનિયર એન્જીનીયર અને ઇમરજન્સી ટીમના સિનિયર અધિકારી આગ લાગવાના કારણ મુદ્દે કામગીરી કરી રહ્યા છે. પ્રથમ તો આગને કારણે ઘરેલુ ગેસનો પુરવઠો બંધ કરાવ્યો હતો, એ શરૂ કરવાની અમારી પ્રાથમિકતા છે. જેના પ્રાથમિક રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરશે.
GEB ની આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ
PNG ગેસ પાઇપ લાઈનમાં આગ લાગતા વીજ લાઇનને પણ અસર થતા વીજ પુરવઠો બંધ થયો હતો. પરંતુ અહીં GEB ની આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ જોવા મળી હતી. GEB એ નવસારી-વિજલપોર નગરપાલિકાની મદદથી ચોમાસા પૂર્વે કરવાની પ્રિમોનસૂન કામગીરી કરવા પડી હતી. પાલિકાની ક્રેનની મદદથી વીજ તારને નડતર રૂપ ઝાડની ડાળીઓ કપાવી હતી. જેને કારણે વીજ પુરવઠો, ગેસ પુરવઠો શરૂ થયા બાદ પણ અડધો કલાકે શરૂ થયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં કોરોનાની ભીતિ વચ્ચે હુંફાળુ જાગ્યું તંત્ર, શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટીંગ બાદ પ્રવેશ
આ પણ વાંચોઃ શું ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ કોરીડોર બની રહ્યો છે? જાણો ETV Bharatનો સ્પેશિયલ રીપોર્ટમાં