- શિક્ષણ વિભાગે સારસ્વત સંવેદના આકસ્મિક નિધી યોજના શરૂ કરી
- જિલ્લાના સરકારી શિક્ષકો સ્વૈચ્છિક ફાળા દ્વારા સ્વર્ગસ્થ શિક્ષકના પરિવારને કરે છે આર્થિક મદદ
- ચોવીસી હાઈસ્કૂલના સ્વ. શિક્ષિકાના પરિવારોને અપાઈ 1.72 લાખની આર્થિક સહાય
નવસારીઃ શિક્ષક હંમેશા સમાજને નવી દિશા આપતો હોય છે અને નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આવી જ એક અનોખી પહેલ કરવામાં આવી છે. સારસ્વત સંવેદના આકસ્મિક નિધી હેઠળ નવસારીની ચોવીસી હાઈસ્કૂલના શિક્ષિકાના આકસ્મિક અવસાન બાદ તેમના પરિવારને ફાળો એકત્ર કરીને 1.72 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લામાં એક વર્ષમાં આકસ્મિક રીતે અવસાન પામેલા 8 શિક્ષકોને સારસ્વત નિધી હેઠળ આર્થિક મદદ કરવામાં આવી છે.
![નવસારીમાં શિક્ષકના આકસ્મિક અવસાન બાદ પરિવારને આર્થિક મદદની અનોખી પહેલ શરૂ કરાઇનવસારીમાં શિક્ષકના આકસ્મિક અવસાન બાદ પરિવારને આર્થિક મદદની અનોખી પહેલ શરૂ કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-shikshak-sanvedana-rtu-gj10031-hd_02022021131914_0202f_01179_1.jpg)
સારસ્વત સંવેદના આકસ્મિક નિધી યોજના કેમ બની
નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા ગત ફેબ્રુઆરી 2020માં જિલ્લાની ગ્રાન્ટેડ સરકારી શાળાનો કોઈપણ શિક્ષક કે, શૈક્ષણિક સ્ટાફનું આકસ્મિક અવસાન થાય, તો તેમના પરિવારને તાત્કાલિક સ્વૈચ્છિક ફાળો ઉઘરાવી આર્થિક મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને જિલ્લાની તમામ શાળાના શિક્ષકો, આચાર્યો, શૈક્ષણિક સ્ટાફ સહિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ કર્મચારીઓ મળીને 1700થી વધુ લોકોએ સમર્થન આપતા સારસ્વત સંવેદના આકસ્મિક નિધી યોજના બની છે.
સ્વ. શિક્ષિકાના પરિવારને 1.72 લાખની આર્થિક મદદ
નવસારીના કબીલપોર સ્થિત ચોવીસી હાઇસ્કૂલના હિન્દી વિષયના શિક્ષિકા શોભનાબેન મોહનભાઇ પટેલનું ગત 15, જાન્યુઆરીના રોજ ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. જેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી સહિત શિક્ષકોએ સારસ્વત સંવેદના આકસ્મિક નિધી હેઠળ સ્વૈચ્છિક ફાળા દ્વારા ભેગા થયેલી 1.72 લાખ રૂપિયાની માતબર રકમનો ચેક અઠવાડિયામાં જ સ્વ. શિક્ષિકાના પરિવારજનોને અર્પણ કર્યો હતો. સ્વ. શિક્ષિકાના પરિવારે આર્થિક મદદ મળતા ભારે હૈયે જિલ્લા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વ. 8 શિક્ષકોના પરિવારને અપાઈ સારસ્વત સંવેદના આકસ્મિક નિધી
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આકસ્મિક રીતે અવસાન પામનારા શિક્ષકોના પરિવાર માટે શરૂ કરાયેલી સારસ્વત સંવેદના આકસ્મિક નિધી હેઠળ વીતેલા એક વર્ષમાં આકસ્મિક રીતે અવસાન પામેલા 8 શિક્ષકોના પરિવારજનોને કુલ 13.76 લાખ રૂપિયાની સહાય ફાળો એકત્રિત કરીને આપી છે, જે સમાજ માટે ઉદાહરણરૂપ છે.