ભારત સરકાર દ્વારા રેલવેની સમાંતર માલગાડીઓ માટે ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં હાલની રેલવે લાઇન પર આવતી તમામ રેલવે ફાટકોને બંધ કરી, ત્યાં ઓવર બ્રિજ અથવા અંડર પાસ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામની રેલવે ફાટક સંખ્યા 111 પર રેલવે ઓવર બ્રિજ ન બનાવી તેનાથી થોડે દૂર ખાડીમાંથી રેલ્વે બ્રિજ બનાવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને રેલવે ઓવર બ્રિજને કારણે અમલસાડ સહિત આસપાસના ચાર ગામોને નુકસાની વેઠવાનો વારો આવશે એવી સંભાવના સેવાઇ રહી છે. જ્યારે પશ્ચિમ તરફના વિસ્તારમાં ખેતીની જમીનો સહિત હાઈસ્કૂલ, મંદિર અને રહેણાંક મકાનો પણ નીકળી જશે. જેથી અમલસાડ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવા પહોંચેલા અધિકારીઓને ગ્રામજનો અને ખેડૂતોએ અટકાવ્યા હતા. તેમના દ્વારા અમલસાડના અંધેશ્વર મહાદેવ મંદિર નજીકના તળાવ પાસેથી રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવે એવી માગ ઉચ્ચારવામાં આવી હતી.
બીજી તરફ ખેડૂતોનો આક્રોશ જોઈ રાજ્ય માર્ગ મકાન વિભાગના અધિકારી અને ચીખલી પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમની સમક્ષ ખેડૂત આગેવાનોએ ઓવર બ્રિજનો વિરોધ નહીં પરંતુ ગ્રામજનો અને ખેડૂતોને નુકસાનીના ભોગે વિકાસ નહીં થયાની સ્પષ્ટ વાત મૂકી હતી. જેને ધ્યાને લઈને ચીખલી પ્રાંત અધિકારી દ્વારા માપણીને અટકાવી હતી. સાથે જ ગ્રામજનો દ્વારા સૂચવવામાં આવેલી વૈકલ્પિક નવી જગ્યાની ડિઝાઇન અંગે વિચારણાના અંતે નિર્ણય લેવાની બાંહેધરી આપતા ખેડૂતો અને ગ્રામજનો શાંત પડ્યા હતા.