નવસારી: કોરોના વાઇરસથી માનવ જિંદગી બચાવવા સરકાર દ્વારા જાહેર કરેલા લોક ડાઉનની સીધી અસર હવે લોક લોક જીવન પર જોવા મળી રહે છે. ઉદ્યોગ, ધંધા, વેપાર બંધ રહેવાને કારણે કરોડો લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. જેમાં પણ રોજ બરોજની જરૂરી વસ્તુઓના ભાવો વધવાને કારણે લોકોનું બજેટ પણ ખોરવાઇ રહ્યું છે. મહામારીના કપરા સમયમાં જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે દાતાઓના સહકારથી સામાજિક સંસ્થાઓ દોઢ મહિનાથી વધુ સમયથી નિઃશુલ્ક રાશન અને શાકભાજીની કિટોનું વિતરણ કરી રહી છે.
પરંતુ સ્વાભિમાની મધ્યમ વર્ગ વિકટ સ્થિતિમાં મૂકાયો છે, સાથે જ હવે તો સક્ષમ ઘરના લોકો પણ આર્થિક મુદ્દે ચિંતિત બની રહ્યા છે. ત્યારે નવસારીના માજી સૈનિકોના ગ્રુપ દ્વારા શાકભાજીની કીટ વહેંચીને અનેરો સેવા યજ્ઞ શરૂ કરાયો છે. શહેરના છાપરા રોડ પર સ્થિત એસબીઆઇ બેન્ક પાસે રોજના વહેલી સવારે અંદાજે 80 મણ અલગ-અલગ શાકભાજી અને ફળોની કીટ બનાવી, છેલ્લા 12 દિવસોથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક વહેંચવામાં આવે છે.
અંદાજે 100થી વધુ રૂપિયાની શાકભાજી કીટ માટે રોજના જરૂરિયાતમંદો સહિત મધ્યમ વર્ગીય લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે, જેમની વચ્ચે હળવેથી ચહેરો ઢાંકીને સક્ષમ ઘરોની મહિલાઓ પણ શાકભાજી કીટ લેતા દેખાઈ જાય છે. જે કોરોનાના રાક્ષસે સક્ષમ લોકોને પણ લાઈનમાં ઉભા રાખી દીધા હોવાની ચાડી ખાઈ છે.
ઉલ્લેખનિય છે કે, નવસારીમાં શાકભાજી બજાર બંધ રહેવાને કારણે ફેરિયાઓ મનફાવે એમ શાકભાજીના ભાવો લેતા થયા છે. જ્યા ખેડૂતો એપીએમસીમાં એક મણ શાકભાજી નજીવા ભાવે વેચે છે, ત્યાંથી બહાર નીકળતા એજ શાકભાજીના કિલોના ભાવ 100 થી 300 ગણા વધુ થઈ જાય છે. જેથી ઓછી આવકમાં લોકોની ખરીદ શક્તિ પણ પ્રભાવિત થઈ રહી છે.