- પોલીસ પર પથ્થરમારો થતાં ટોળાને વિખેરવા ટીયર ગેસ છોડાયા
- ટોળુ શાંત ન થતા બે PSIએ હવામાં કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યુ
- પોલીસે 3 મહિલા સહિત 17 આરોપીઓને ડિટેન કર્યા
- પથ્થરમારામાં DySP અને પોલીસકર્મી ઈજાગ્રસ્ત
નવસારી: જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી ગામે બે દિવસ અગાઉ 17 એપ્રિલે ગામની આંબાવાડીમાંથી 8 મણ કેરી ચોરાઈ હતી. જે ગામના જ કેટલાક યુવાનોએ ચોરી હોવાનું જાણતા વાડી માલિકે તેમને પકડી માર માર્યો હતો. જેની અદાવતમાં ગયા રોજ રવિવારે માર મારનારા વાડી માલિકના ઘરે ટોળું ધસી ગયું હતું. હોબાળા બાદ તેના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેથી ગણદેવી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચો: વડોદરા શહેરમાં પથ્થરમારા બાદ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ
ટોળાએ પોલીસ ઉપર જ પથ્થરમારો કર્યો
પોલીસ સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. એવામાં જ ટોળું ઉશ્કેરાયું હતું અને પોલીસ ઉપર જ પથ્થરમારો કર્યો હતો. જેમાં જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. રાણાને કપાળમાં પથ્થર વાગ્યો હતો. જ્યારે એમની સાથે અન્ય એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો. ટોળાને કાબુમાં કરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને સ્થિતિ કાબુમાં લીધી હતી. સાથે જ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને આરોપીઓને પકડવા કોંબિંગ કર્યુ હતું. જેમાં પોલીસે સોમવારે 3 મહિલાઓ સહિત 17 આરોપીઓને ડિટેન કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતના પાંડેસરામાં 20 મિનિટ સુધી ચાલ્યું તોફાન, 3થી 4 રાઉન્ડ થયું ફાયરિંગ
પોલીસ પર હુમલા બાદ ટોળાને વિખેરવા થયું 4 રાઉન્ડ હવામાં ફાયરિંગ
કછોલી ગામે ગઈ રાતે ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા માટે પોલીસના પ્રયાસો બાદ પણ થયેલા પથ્થર મારામાં નાયબ પોલીસ અધિક્ષક અને એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ટીયર ગેસ છોડયા બાદ પણ ટોળું કાબૂમાં ન આવતા ગણદેવી PSI કચ્છવાહા અને બીલીમોરા PSI વસાવાએ હવામાં બબ્બે રાઉન્ડ મળી કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.