નવસારી: ગણદેવી તાલુકાના ભાઠા ગામે કુળદેવી માતા મંદિરની સાલગીરી અવસરે ગ્રામીણોએ 36 યુનિટ રક્ત દાન કરી સાલગીરીને યાદગાર બનાવી હતી. કોરાના સામેની જંગમાં ગ્રામીણોને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો, આ સાથે જ માસ્ક અને હાથ મોજાનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.
ગણદેવી તાલુકાના ભાઠા ગામના લાલી ફળીયા સ્થિત કુળદેવી માતા મંદિરની સોમવારે સાલગીરીની પ્રેરણાંદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંતલીયા લાયન્સ એન્ડ લિયો કલબ ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલિત એનએમપી બ્લડ બેંકના સહયોગથી ભાઠા મંગલદીપ યુવક મંડળ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં માતાજીના ભક્તો સહિત ગ્રામીણોએ ઉત્સાહ સાથે લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રક્તદાન કર્યુ હતુ.
આ કેમ્પમાં 36 યુનિટ રક્ત એકત્રિત કરાયુ હતું. આ સાથે જ ધકવાડા અને વળોટી સ્થિત આયુર્વેદિક દવાખાનાના માર્ગદર્શન હેઠળ ગ્રામીણોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુંં હતુ. જયારે કોરોનાની જંગ સામે લડવા ગ્રામીણોને 500 માસ્ક અને હાથ મોજા પણ વિતરણ કરાયા હતા. આમ ગ્રામીણો સહિત કુળદેવી માતાના ભક્તોએ કોરોના કાળમાં પ્રેરણાદાયી કામ કરી માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતું.