- નવસારીના આરોગ્ય અધિકારીની ગેરવર્તણુંક, કોરોના મુદ્દે સાધ્યુ મૌન
- જે કરવું હોય એ કરો, મારી બદલી કરાવી દો: આરોગ્ય અધિકારી
- મીડિયાના કોરોના અંગેના સવાલોના જવાબો આપ્યા વગર ચાલતી પકડી
- પ્રજાને પડતી હાલાકી માટે આરોગ્ય વિભાગ પાસે નથી જવાબ
નવસારી: નવસારી જિલ્લામાં દિવસે દિવસે વધી રહેલા કોરોનાના કેસો અને જિલ્લામાં વર્તાઈ રહેલી ઓક્સિજનની અછતને લઇને મીડિયાકર્મીઓએ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને પ્રશ્ન કરતાં, તેઓ જવાબ આપ્યા વિના કલેકટર કચેરીથી જતાં રહ્યા હતા. આરોગ્ય અધિકારીની આ વર્તણુંક સામે મીડિયાકર્મીઓએ જિલ્લા અધિક કલેક્ટરને ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનું સરવૈયું
પ્રજાહિતમાં મીડિયાકર્મીઓના પ્રશ્નનો જવાબ આપવાનું આરોગ્ય અધિકારીને યોગ્ય ન લાગ્યું
નવસારી જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેમાં પણ ગત દિવસોમાં ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનની અછત અને રેમડેસીવીર ઇન્જેક્શન પણ મળતા ન હતા. જેથી આજે મીડિયાકર્મીઓ જિલ્લા કલેકટરનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચ્યા હતા પરંતુ જિલ્લાના વિવિધ વિભાગોના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક હોય કલેક્ટરે મુલાકાત આપી ન હતી. દરમિયાન નવસારી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. દિલીપ ભાવસારને મીડિયાકર્મીઓએ કોરોના મુદ્દે આરોગ્યની તૈયારી બાબતે પૂછતા પ્રથમ તેમણે જય સ્વામિનારાયણ કહીને અને ફોન ઉઠાવવા બંધાયેલો ન હોવાનો જવાબ આપી ચાલતા થયા હતા.
મીડિયાના કોરોના અંગેના સવાલોના જવાબો આપ્યા વગર ચાલતી પકડી
જો કે ફરી ડૉ. ભાવસાર મીડિયાકર્મીઓને દેખાતા તેમને પ્રજાહિતમાં કોરોનાને નાથવા આરોગ્ય વિભાગે ક્યાં-ક્યાં પગલાં લીધા છે, પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ આ વખતે પણ ડૉ. ભાવસાર જવાબ આપ્યા વિના ચાલતા થયા હતા. જેથી નવસારી જિલ્લામાં વકરતો કોરોના, ઓક્સિજનની શું તૈયારી અને મુખ્ય આરોગ્ય અધિકારી હોવા છતાં મીડિયાકર્મીઓના ફોન ન ઉઠાવતા હોવાના પ્રશ્નો પૂછતા મુખ્ય આરોગ્ય અધિકારી અકડાઈ ગયા હતા. સાથે જ મીડિયાકર્મીઓ તેમની બદલી કરાવવા માટે પ્રયાસો કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમ છતાં પણ પ્રજાહિતમાં તેમણે કોરોના મુદ્દે એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો અને કલેકટર કચેરીએથી ચાલતી પકડી હતી.
આ પણ વાંચો: નવસારીમાં કોરોનાના નવા 88 પોઝિટીવ કેસો નોંધાયા
મુખ્ય આરોગ્ય અધિકારી વિરુદ્ધ અધિક કલેકટરને કરાઈ મૌખિક ફરિયાદ
સમગ્ર મુદ્દે નવસારીના મીડિયાકર્મીઓ દ્વારા જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને મુખ્ય આરોગ્ય અધિકારીની ગેરવર્તણુંક વિશે જણાવી મૌખિક ફરિયાદ કરી હતી. તેમજ મહામારીના આ સમયમાં વહીવટીતંત્ર પણ મીડિયાકર્મીઓને સહયોગ આપે એવી માંગણી કરી હતી. જેથી અધિક કલેક્ટરે તાત્કાલિક આરોગ્ય વિભાગના RCH અધિકારી ડૉ. સુજીત પરમારને કોરોના સંબંધી માહિતી આપવા માટે આદેશ કર્યો હતો અને આગળ પણ માહિતી મળતી રહે એ માટે આશ્વાસન આપ્યું હતુ.