નવસારી: કથાકાર મોરારી બાપુના કૃષ્ણ પરિવાર પર વિવાદિત નિવેદન બાદ ઉઠેલા વિવાદ બાદ દ્વારકામાં માફી માગવા પહોંચેલા બાપુ પર પૂર્વ ભાજપી ધારાસભ્ય પબુભા માણેકે કરેલા હુમલાના પ્રયાસને વખોડી નવસારીના સીતારામ પરિવારના પ્રબુદ્ધ જનોએ આજે સોમવારે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પબુભા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
સત્ય, પ્રેમ અને કરૂણાના પંથી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ રામકથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ, કૃષ્ણ પરિવાર અને યદુવંશ ઉપર આપેલા વિવાદિત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેમાં ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારિકાના કાન્હા વિચાર મંચ દ્વારા મોરારી બાપુના નિવેદન સામે ઉગ્ર વિરોધ દર્શાવી, તેમને દ્વારકા આવી દ્વારિકાનાથના દરબારમાં માફી માગવાની માંગણી ઉચ્ચારી હતી. જેને ધ્યાને લઇ ગત 18 જૂનના રોજ મોરારી બાપુ દ્વારકા માફી માગવા ગયા હતા. ત્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અચાનક આવતા બાપુ પર હુમલાનો પ્રયાસ કરી, કથાકાર મોરારી બાપુનું અપમાન કર્યું હતું.
જે ઘટના બાદ આજે સોમવારે નવસારીના સીતારામ પરિવારના પ્રબુદ્ધ જનો દ્વારા બાપુ પર થયેલા હુમલાના પ્રયાસને સખત શબ્દોમાં વખોડી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. સાથે જ હુમલો કરનારા પબુભા સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.