નવસારી: શહેરના જલાલપોરના તાશ્કંદનગરમાં રહેતા ચેતન પટેલ (50) લિફ્ટ રીપેરીંગનું કામ કરતા હતા. શુક્રવારે સવારે ચેતન પોતાના સાથી સાથે નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા સિટી સ્કવેર અપાર્ટમેન્ટની બી વીંગની લિફ્ટ રીપેરીંગ કરવા આવ્યા હતા.
જ્યાં ચોથા માળે લિફ્ટની ઉપર ચઢીને ચેતન સમારકામ કરતા હતા અને પગ આડો કરી લિફ્ટનો દરવાજો ખોલવા જતા અચાનક લિફ્ટ શરૂ થઇ ગઈ હતી. જેને કારણે ચેતન લિફ્ટ અને લિફ્ટના પેસેજની દિવાલ વચ્ચે ફસાઈ ગયા હતા, જોકે તેમની સાથેના સાથીએ તરત લિફ્ટ બંધ કરી તેને પેસેજમાંથી બહાર કાઢી, તાત્કાલિક એમ્બ્લુયન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, ચેતન વ્યક્તિગત રીતે જ લિફ્ટ રીપેરીંગનું કામ કરતા હતા અને એકવાર લિફ્ટનો દરવાજો બંધ કર્યા બાદ તેને ફરી ખોલવા જતા ઘટના બની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.