નવસારી: ચીખલી તાલુકાના દોણજા ગામે મૃત દીપડી મળી આવી છે. જેથી વન વિભાગે દીપડી પર કબ્જો મેળવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ ગામમાં રહેનારા પ્રજ્ઞેશ પટેલના ખેતરમાંથી આ દીપડી મળી આવી છે.
પ્રજ્ઞેશ પટેલે મૃત દીપડીને જોઈને વન વિભાગને માહિતી આપી હતી. જેથી વન વિભાગની ટીમે રાનકુવા ખાતે દીપડીનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેના પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું કે, દીપડી અંદાજે અઢી વર્ષની હતી અને 6 દિવસ અગાઉ તેનું મોત થયું હતું.
પોસ્ટ મોર્ટમની પ્રાથમિક તાપસમાં જાણવા મળ્યું કે, દિપડી શિકારની શોધમાં ખૂબ તેજ ગતિથી દોડતી હતી અને આરામ કરવાનો સમય મળ્યો નહોતો. જેથી તેનું હાર્ટ ફેઈલ થયું છે. જો કે, મોતનું સાચું કારણ હજૂ મળ્યું નથી. મોતનું સાચું કારણ ન મળવાથી વન વિભાગે દીપડીના વિસેરા લઈ સુરત એફએસએલ ખાતે મોકલાવ્યા છે. જેથી એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ દીપડીના મોતનું સાચું કારણ જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં હાલ શેરડીની કાપણી થઇ રહી છે, જેને કારણે દીપડાઓ દેખાવાની ઘટના અવાર-નવાર બનતી હોય છે. આ ઉપરાંત ગત મહિનાઓમાં ખેતરમાં રાખવામાં આવેલા તારની ફેન્સીંગ ફસાઇને એક દીપડીનું મોત થયું હતું.