નવસારી: નવસારીમાં ઇતિહાસમાં પ્રથમવાર દુષ્કર્મના આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવાઈ હતી. દશેરા ટેકરી ખાતે રહેતી દંતાણી પરિવારની 12 વર્ષ સગીરાને વર્ષ 2021માં યુપીના ગોંડાનો અને નવસારી ખાતે રહેતો સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાઈની પરિણીત હોવા છતાં લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. માતા દ્વારા આ અંગેની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી.
લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મ: જેમાં નવસારી ગ્રામ્ય પોલીસે માતાની ફરિયાદ પર આરોપી અને પીડિતા સગીરાને 18મા દિવસે યુપીથી શોધી લાવી હતી. જેમાં આરોપી વિધર્મી ઈરફાન પરણિત હોવા છતાં બાળાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો અને અનેકવાર સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. તેથી નવસારી ગ્રામ્ય પોલીસે અપહરણ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી આરોપીને જેલમાં ધકેલ્યો હતો.
ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ: સમગ્ર પ્રકરણમાં સ્પેશિયલ પોસ્કો જજ અને વધારાના સેશન્સ જજ પીએસ બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલતા પોલીસ તપાસ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ કોટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં આરોપી સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાનને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી. સાથે જ આરોપીને 30,000 નો દંડ અને પીડિત બાળકીને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સખતમાં સખત સજા કરવાની દલીલ: નવસારીના એડિસ્ટ્રિક્ત એન્ડ સેશન્સ જજ (સ્પે. પોક્સો જજ) તેજસ બ્રહ્મભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વિરુદ્ધ રજૂ થયેલ મૌખિક તથા લેખિત પુરાવાઓ તથા મેડિકલ એવિડન્સ તેમજ સાયન્ટિફિક એવિડન્સ તથા ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ અજયકુમાર જે ટેલર દ્વારા રજુ કરવામાં આવેલ ધારદાર દલીલ તેમજ આરોપીને સમાજમાં દાખલો બેસે એવી સખતમાં સખત સજા કરવાની દલીલ કરેલ હતી. તેમજ આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તો સમાજમાં આવું કૃત્ય કરતા આરોપીઓને સબક મળે તેવી દલીલ રજૂ કરવામાં આવી હતી.
આરોપીને આજીવન કેદની સજા: કોર્ટ દ્વારા આરોપીને તેની સામેના ગુનાઓમાં દોષી ઠેરવી આઈપીસી કલમ 363 મુજબ સજાપાત્ર ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ તથા આઈપીસી કલમ 366 મુજબ સજાપાત્ર ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા તથા દસ હજાર દંડ તથા આઈપીસી કલમ 376 (3) ની સાથે પોકસો એક્ટની કલમ- 5(એલ) સાથે કલમ - 6 મુજબના સજાપાત્ર ગુનામાં આજીવન કેદ એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી સખત કેદની સજા તથા રૂપિયા 10,000ના દંડની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.