નવસારી : કોરોના વાઇરસે નવસારીમાં ગત 21 એપ્રિલના રોજ નવસારીમાં પગ પેસારો કર્યો હતો, ત્યારબાદ એક પછી એક કુલ ત્રણ કેસો નોંધાયા બાદ ગત 25, એપ્રિલના રોજ નવસારી તાલુકાના સડક ફળિયાના રહેવાસી 65 વર્ષીય પશુપાલક ઇશ્વરભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા તેમને નવસારીની કોવીડ-19 હોસ્પિટલ, યશફીન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમનો અઠવાડિયા બાદ કરવામાં આવેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ત્યાર પછીનો ત્રીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા આજે સોમવારે બપોરે ઈશ્વરભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઈશ્વરભાઈ કોરોના સામેની જંગ જીત્યા બાદ ઘરે જવા નીકળતા, હોસ્પિટલના ટ્રસ્ટીઓ, ડોક્ટર અને સ્ટાફે ટાળીઓ પાડી ઉત્સાહ સાથે વિદાય આપી હતી. જેને લઈને કોરોના યોદ્ધા ઈશ્વરભાઈએ સારવાર આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ કોરોના સામેની જંગમાં લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.
નવસારીની કોવીડ-19 યશફીન હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 5 કોરોના પોઝિટિવ કેસ સારવાર હેઠળ દાખલ કરાયા હતા. જેમાંથી બે દર્દીઓ સ્વસ્થ થતા ટ્રસ્ટીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે અન્ય ત્રણ દર્દીઓ પણ આ અઠવાડિયામાં જ સાજા થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
![ત્રીજા દર્દીએ કોરોનાની જંગ જીતી, અપાઈ રજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-corona-jeet-rtu-gj10031_04052020193631_0405f_03345_400.jpg)
ઉલ્લેખનિય છે કે, નવસારી જિલ્લાના 7 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓ કોરોનાની જંગ જીતી તેમના ઘરે ગયા છે. જેથી હવે જિલ્લામાં કોરોના એક્ટિવ 4 દર્દીઓ રહ્યા છે, ત્યારે તેઓ પણ કોરોનાને હરાવવામાં સફળ થાય એવી આશા સેવાઈ રહી છે.