નવસારીઃ જિલ્લાના ખેરગામ ગામે રહેતા અને દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પ્રફુલ શુક્લ માર્ચની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના યુગાન્ડા ખાતે રામ કથા અર્થે ગયા હતા. જ્યાં કથા પૂરી થયા બાદ તેઓ ગત 18 માર્ચે વતન પરત ફર્યા છે. જયારે ખેરગામના જ અન્ય એક શખ્સ મસ્કતથી 18 માર્ચે જ પરત ફર્યા છે. જેને લઈને ખેરગામ પંથકનાં વિભિન્ન વોટ્સએપ ગ્રુપોમાં વિસ્તારના કેટલાક લોકોએ વિદેશથી આવેલા લોકોની યાદી સાથે ખેરગામના બંને લોકોના નામ આગળ સર્કલ બનાવી “ ખેરગામમાં આવી ગયો કોરોના વાયરસ “ના મેસેજ વાયરલ કરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

જેમાં કેટલાકે સમગ્ર મુદ્દે જિલ્લા કલેકટર, પોલીસ વગેરેને ઉદ્દેશીને પણ હકીકત જાહેર કરવાની માંગણી કરી છે. જેની સામે ખુદ કથાકાર પ્રફુલ શુક્લાએ એક વિડીયો બનાવી વિદેશથી આવેલા તમામને કોરોના હોય એવું નથી, પણ ઓબ્ઝર્વેશનમાં હોવાનું જણાવી, તેઓ સ્વસ્થ હોવાનો અને અફવા ફેલાવનારાઓને ભગવાન સદ્દબુદ્ધિ આપે એવો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વળતા જવાબ રૂપે મુક્યો છે.
જયારે ખેરગામ તાલુકાના મેડીકલ ઓફિસરે પણ કથાકાર પ્રફુલ શકુલા અને મસ્કતથી આવેલા શખ્સને વિદેશથી આવ્યા હોવાથી અગમચેતીના પગલા રૂપે હોમ કોરેન્ટાઇનમાં રાખવા આવ્યા હોવાની અને જે મેસેજો વાયરલ થયા છે, આ અફવા હોવાનું જણાવ્યુ હતું.