- આર્થિક નુકસાનીનું કારણ ધરી પશ્ચિમ રેલવે દ્વારા નેરોગેજ ટ્રેન બંધ કરવામાં આવી
- 'ટ્રેન નહીં, તબ તક ચેન નહીં'ના સ્લોગન હેઠળ રેલ સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલન
- સો વર્ષોનો ઇતિહાસ ધરાવતી નેરોગેજ બંધ કરવામાં આવી
નવસારી : કુદરતી સૌંદર્યનો આનંદ આપનારી ઐતિહાસિક બીલીમોરા-વઘઇ નેરોગેજને સરકારે આર્થિક નુકસાનીનું કારણ આગળ ધરીને બંધ કરી છે. આદિવાસીઓ માટે ધંધા-રોજગાર માટે ઉપયોગી નેરોગેજ બંધ થતા આદિવાસીઓએ અન્યાયની લાગણી સાથે, ટ્રેન વહેલી શરૂ કરવાની માગ કરી છે. આ સાથે મંગળવારે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ઉનાઇ રેલવે સ્ટેશન ખાતે પ્રતિક ધરણા કરવાની સાથે આંદોલન ઉગ્ર બનાવવા કમર કસી છે.
આદિવાસીઓના ધંધા-રોજગારનો આધાર નેરોગેજ પર નભે છે
ગાયકવાડી રાજમાં ડાંગના જંગલોમાંથી સાગી લાકડા લાવવા, અંગ્રેજોએ શરૂ કરેલી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન આર્થિક નુકસાની કરતી હોવાના કારણે પશ્ચિમ રેલવેએ 5 દિવસ અગાઉ ગત 10 ડિસેમ્બરના રોજ બંધ કરી છે. બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન આદિવાસીઓ માટે જીવાદોરી સમાન હતી. આ સાથે આ ટ્રેન ઐતિહાસિક ધરોહર હોવાથી પ્રવાસીઓને પણ આકર્ષિત કરી રહી હતી. આદિવાસીઓ પોતાની ખેત પેદાશો શહેરો સુધી પહોંચાડવાથી લઇને ધંધા-રોજગાર અને નોકરીએ જવા માટે પણ નેરોગેજ ટ્રેનનો ઉપયોગ કરતા હતા.
ઉનાઈ રેલવે સ્ટેશન ખાતે પ્રતિક ધરણા
કોરોના કાળ દરમિયાન નેરોગેજ આર્થિક રીતે નુકસાની કરતી હોવાના કારણ સાથે પશ્ચિમ રેલવે દ્વારા રાજ્યમાં ૧૧ સ્થળોએ દોડતી નેરોગેજ ટ્રેન બંધ કરવામાં આવી છે. જેને લઈને મંગળવારે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલ સંઘર્ષ સમિતિ દ્વારા 'ટ્રેન નહીં, તબ તક ચેન નહી.'ના સ્લોગન સાથે ઉનાઈ રેલવે સ્ટેશન ખાતે પ્રતિક ધરણા સાથે વહેલી તકે ટ્રેન શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. નહીં તો આવનારા દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
નેરોગેજને બ્રોડગેજમાં ફેરવવાની યોજના પણ અટવાઇ
110 વર્ષોનો લાંબો ઈતિહાસ ધરાવતી નેરોગેજ ટ્રેન લાંબા સમયથી ખોટ કરતી હતી. જે કારણે પશ્ચિમ રેલવે દ્વારા વર્ષ 2013માં અંદાજે 700 કરોડના ખર્ચે નેરોગેજને બ્રોડગેજમાં તબદીલ કરીને બીલીમોરાથી મહારાષ્ટ્રના મનમાડ સુધી લંબાવવાની યોજના પણ બનાવી હતી, પરંતુ ચોક્કસ કારણોસર યોજના સાકાર થઇ શકી નથી. વર્ષો સુધી ખોટ ખાઇને પણ ચાલુ રાખેલી આ નેરોગેજ ટ્રેન આર્થિક નુકસાનીને કારણે બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકો આંદોલન કરી આ ટ્રેન ફરી ચાલુ કરવાની માગ કરી રહ્યા છે.