- નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 4 અફઘાની વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ
- વિદ્યાર્થીઓના પરિવારો સુરક્ષિત હોવાનું જાણતા રાહતનો શ્વાસ લીધો
- વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરી વહેલા વતન પરત જવાની દર્શાવી ઈચ્છા
નવસારી: અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સત્તા પલટો કર્યાની જાણ થતાં જ નવસારીના કૃષિ યુનિવર્સિટીમાં ઇન્ડો-અફઘાન ફેલોશીપ અંતર્ગત અભ્યાસ કરતા અફઘાની સરકારના કર્મચારીઓની ચિંતા વધી હતી. જોકે પરિવારજનો સાથે વાત થયા બાદ વિદ્યાર્થીઓની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. સાથે જ વહેલો અભ્યાસ પૂર્ણ કરી વતન પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઇન્ડો-અફઘાન ફેલોશીપ હેઠળ અભ્યાસ હેઠળ આવે છે વિદ્યાર્થીઓ
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા પલટો કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં સત્તા પલટાતા ત્યાના નાગરિકોમાં ભાગ દોડ મચી ગઈ હતી. જેની સાથે જ ભારતમાં વસતા અફઘાની પણ ચિંતામાં મુકાયા હતા. જેમાં ઈન્ડો અફઘાન ફેલોશીપ હેઠળ અને ICAR ના નિર્દેશોથી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 અફઘાનિ વિદ્યાર્થીઓ કંધહારના આતીફ અશુકુલ્લાહ, પરવાનના અબ્દુલ મોસવેર નિઆઝી, સઈદુલ્લાહ ઘની અને શફી મોહમંદ શરીફ પણ પોતાના પરિવારોની ચિંતામાં મુકાયા હતા. જેમણે પરિવારનો સંપર્ક સાધતા વણસેલી સ્થિતિ કાબુમાં હોવાનું અને કોઈ ફાયરિંગ કે ચિંતાજનક ઘટના ન બની હોવાનું જાણતા રાહત મળી હતી. જોકે અફઘાની વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ વહેલો પુરો થાય અને તેઓ વતન પરત ફરે એવી આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓના પરિવારની કલેક્ટરે કરી સમીક્ષા, જરૂર પડ્યે મદદની પણ આપી હૈયા ધારણા
PHD પૂર્ણ થતા વહેલા અફઘાનિસ્તાન જવાની ઈચ્છા દર્શાવી
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસરત 4 અફઘાની વિદ્યાર્થીઓ અફઘાન સરકારમાં કર્મચારી છે. જેમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને કંધહારના 37 વર્ષીય આતિફ અશકુલ્લાહ (Atif Ashuqullah) ત્રણ વર્ષથી પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગમાં Phd કરી રહ્યા છે. જેમનું ડોક્ટરેટ પૂર્ણ થવામાં થોડા જ દિવસો બાકી છે, પરંતુ અફઘાનમાં થયેલી ઘટનાને લઇને આતિફ ચિંતિત હતા. જેઓ પરિવાર સુરક્ષિત હોવાનું જાણ્યા બાદ તેઓ ચિંતા મુક્ત થયા છે. જ્યારે અહીંથી મેળવેલુ જ્ઞાન તેઓ અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થીઓને આપીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પ્રયાસો કરશે. તેમણે અફઘાનિસ્તાન સરકાર અને ભારતીય સરકારનો શિક્ષણના આદાન-પ્રદાનની વ્યવસ્થા કરાવી આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ એમનું Phd પૂર્ણ થતાં ફ્લાઇટ શરૂ થાય અને વહેલા અફઘાનિસ્તાન પહોંચે એવી આશા વ્યક્ત કરી હતી.
ભારત સરકારના સંબંધો અફઘાનિસ્તાન સાથે અગાઉ જેવા જ રહે - શફી
કૃષિ યુનિવર્સિટીના હોર્ટીકલચર ડિપાર્ટમેન્ટમાં M. Sc. Horticulture કરી રહેલા 28 વર્ષીય સફી મોહમ્મદ શરીફે પણ કૃષિ યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન અફઘાનિસ્તાનના વિકાસમાં ઉપયોગમાં લેવાની વાત કરી હતી સાથે જ તાલીબાનીઓએ અફઘાનિસ્તાનમાં સત્તા પલટી છે, સરકાર બદલાય છે પરંતુ ભારત સરકાર અગાઉની જેમ જ અફઘાનિસ્તાનના વિકાસમાં મદદ કરતી રહે એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે અફઘાનિસ્તાનમાં તેમનો પરિવાર સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું હતુ. જેથી અગાઉ ચિંતા હતી, પણ હવે સ્થિતિ કાબૂમાં હોવાથી તેમણે અભ્યાસ પૂર્ણ કરી વતન પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો કર્યો
અત્યાર સુધીમાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 22 અફઘાની વિદ્યાર્થીઓએ કર્યો અભ્યાસ
નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન વિભાગના ડાયરેક્ટર ડૉ. સુનિલ ચૌધરીએ જણાવ્યું હતુ કે, યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણનું આદાન-પ્રદાન થઈ શકે, એવા પ્રયાસો શરૂઆતથી જ કર્યા છે. જેમાં ઈન્ડો-અફઘાન ફેલોશિપ હેઠળ હાલમાં યુનિવર્સિટી 4 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેઓ અફઘાન સરકારમાં કર્મચારી છે, યુનિવર્સિટીમાં વર્ષ 2004 થી અત્યાર સુધી કુલ 22 અફઘાની વિદ્યાર્થીઓએ ug-pg ડીગ્રીઓ મેળવી છે. હાલમાં યુનિવર્સિટીમાં અભ્યાસ 4 અફઘાની વિદ્યાર્થીઓને યુનિવર્સિટી બનતી તમામ મદદ કરશે. કોરોના કાળમાં પણ અફઘાની વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા, જેમને યોગ્ય સારવાર અપાવી સાજા કર્યા છે અને અગાઉ પણ વિદ્યાર્થીઓને જે પણ મદદની જરૂર હશે, યુનિવર્સિટી હંમેશા સહાયક રહેશે.