નવસારી: સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રા દરેક શહેરોમાં રંગે ચંગે કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ નગરચર્યા કરીને ભાવિક ભક્તોને આશિર્વાદ આપે છે. ત્યારે બીલીમોરા ખાતે ભગવાન જગન્નાથની યાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા ભગવાનને હાર પહેરાવી જય કારા સાથે ભગવાનના રથને ખેંચી નગરયાત્રા કરાવવામાં આવી હતી. જેમાં હજારો લોકો આ યાત્રાનો લાભ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જય કનૈયા લાલકીની ધૂનથી નવસારી ગુંજી ઉઠ્યું હતું.
ભગવાનનો રથ ખેંચ્યો: નવસારી જિલ્લાના બીલીમોરા શહેર ખાતે ભગવાન જગન્નાથનો રથયાત્રાનો પ્રારંભ દ્વારકાધીશ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ભક્તો રથને ખેંચીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો આ લાભ લેવા માટે આવ્યા હતા. જ્યારે યાત્રા સ્ટેશન રોડ ખાતેની મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ત્યાં રહેતા સ્થાનિક મુસ્લિમ સમાજના 40 જેટલા લોકોએ ભગવાન જગન્નાથની યાત્રામાં ભાગ લઈ રથને ખેંચીને ભગવાનને નગર યાત્રા કરાવવાનો લાભ લીધો હતો. તો બીજી તરફ ભગવાન જગન્નાથને ચંદન તેમજ ફૂલોના હારો પહેરાવી વધાવ્યા હતા. જગન્નાથ ભગવાનની જયકારો બોલાવ્યો હતો. જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
જગન્નાથજીના વધામણા: બીલીમોરા શહેરના સામાજિક આગેવાન મલંગ કોલીયાએ જણાવ્યું હતું કે જગન્નાથજીની યાત્રા જ્યારે સ્ટેશન રોડ વિસ્તારની મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અમારા સામાજિક આગેવાન મહેબુબ કાપડિયા તથા અન્ય 40 જેટલા મુસ્લિમ ભાઈઓએ જગન્નાથજીના વધામણા કર્યા હતા. જયકારો કરી અમારા મુસ્લિમ સમાજ દ્વારા રથને ખેંચીને ભગવાનને નગર યાત્રા કરાવવામાં આવી હતી. સાથે પ્રસાદમાં ચોકલેટ પણ વેચવામાં આવી હતી.