- શિક્ષક એટલે ગુરૂ અને ગુરૂનું સ્થાન સમાજમાં ભગવાન કરતા પણ શ્રેષ્ઠ
- ચાપલધરાનું કોઈ ઘર એવુ નહીં હોય, જ્યાં શિક્ષક ન હોય
- ડાંગથી લઈ ખંભાત સુધી શાળા, કોલેજમાં ચાપલધરાના શિક્ષકો
નવસારી : મનુષ્ય જીવનને હર પળે શિક્ષકની જરૂર પડે છે, જીવનનું ઘડતર શિક્ષક જ કરી શકે છે. નવસારી જિલ્લાનું એક ગામ જ શિક્ષકોનું ગામ છે. વાંસદા તાલુકાના ચાપલધરા ગામમાં વર્ષ 1960માં એક શિક્ષિકા હતી, ત્યાં આજે 41 વર્ષે 2000 થી વધુ લોકો શિક્ષક છે. ગામના દરેક ઘરે શિક્ષક છે, જેમાં ઘણા પરિવારોમાં ત્રણ પેઢી શિક્ષક જ છે. ઘણા પરિવાર કે કુટુંબના મોટાભાગના સભ્યો શિક્ષક છે. જેઓ પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક કે કોલેજોમાં શિક્ષક કે પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમાં ચાપલધરાનો સોલંકી પરિવારમાં 11 સભ્યો શિક્ષક છે, જેમાંથી ત્રણ સભ્યોએ ગામની જ પ્રાથમિક શાળામાં 30-30 વર્ષો સુધી ફરજ બજાવી ગામના બાળકોને સંસ્કાર અને શિક્ષણ બંનેથી સિંચ્યા છે.
માતા-પિતા શિક્ષક હોવાથી સંતાન શિક્ષક અથવા જમાઈ કે પુત્રવધુ શોધાઈ છે શિક્ષક
ચાપલધરા ગામ શિક્ષકોની ખાણ તરીકે ઓળખાય છે. અહીં દરેક ઘરે શિક્ષક છે. ગ્રામજનો અનુસાર શિક્ષકને લોકો સમાજમાં માન અને મોભો મળે છે. સાથે જ બાળકોને સંસ્કાર અને શિક્ષણ થકી સમાજોપયોગી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ચાપલધરાના કેસમાં માતા-પિતા શિક્ષક હોવાથી એમના સંતાનોની ગળથુથીમાં શિક્ષણ હોય છે અને મોટેભાગે શિક્ષક જ બને છે. સાથે જ પુત્ર શિક્ષક હોય, તો પુત્રવધુ શિક્ષિકા શોધવામાં આવે છે અને દિકરી શિક્ષિકા હોય તો જમાઈ પણ શિક્ષક જ હોય છે. જેને કારણે ચાપલધરામાં શિક્ષકોની સંખ્યા વધી હોવાનું અનુમાન છે.
ચાપલધરા ગામના શિક્ષકો ડાંગના અંતરિયાળ ગામથી ખંભાતના બોરસદ તાલુકાના અંતરિયાળ ગામમાં પણ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં જ હામના 11 યુવાનો માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે. જેમાંથી હેમાલી રાઠોડ મેરીટમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા હતા.
ગામમાં 7 શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત, જેમાં પણ ગામના જ શિક્ષકો ખરા
ચાપલધરા ગામ શિક્ષકોની ખાણ છે, જેના પાછળ ગામમાં એક PTC કોલેજ, એક આશ્રમ શાળા અને 5 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. અહીંની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ગામના જ શિક્ષકો ફરજ બજાવતા મળી જશે. જેમાં સોલંકી પરિવારના ત્રણ સભ્યો 30 વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.