નવસારી: વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વનોનું સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી વન સંપત્તિને બચાવવા માટેનો હોય છે ત્યારે નવસારી જિલ્લાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ બીલીમોરા ખાતે યોજાયો હતો. ભારત દેશમાં વન મહોત્સવની શરૂઆત સૌ પ્રથમ વર્ષ 1950માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી.
વન મહોત્સવનો ઉદ્દેશ: વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. નવસારી જિલ્લાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ બીલીમોરા શહેરમાં યોજાયો હતો. જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા સક્રિય બનીને જાગૃતિ યાત્રા, વૃક્ષારોપણ તેમજ વૃતચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
'74 માં વન મહોત્સવનું આયોજન બીલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવ 33 જિલ્લાઓ આઠ મહાનગરપાલિકા અને 250 જેટલા તાલુકા અને 5500 જેટલા ગામોની અંદર આ વન મહોત્સવ થવાનો છે. જેમાં બીલીમોરા ખાતે પણ સુંદર વન કવચ બનાવવામાં આવ્યું છે. અમે તમામ સરપંચોને પોતાના ગામમાં જ્યાં પણ યોગ્ય જગ્યા હશે સુંદર વન કવચ બનાવવામાં મદદ કરી પર્યાવરણનું જતન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે.' -મુકેશ પટેલ, વન પર્યાવરણ મંત્રી
વિવિધ પ્રવૃતિઓ યોજાઈ: સરકારી અને સંબંધિત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આવી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. બીલીમોરા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના વન મહોત્સવના કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત વન અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યાં સૌ આગેવાનોએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી દેશના જંગલ વિસ્તારમાં વૃદ્ધિની જરૂરિયાત છે તે પૂરી કરવામાં આવશે જેના થકી વૈકલ્પિક બળતણ પેદા થશે તેમજ ખાદ્ય સંસાધનોનું ઉત્પાદન વધશે. ઉત્પાદકતા વધારવા માટે વન્યક્ષેત્રોની આજુબાજુ આશ્રય-પટ્ટો બનાવશે જેના દ્વારા પશુઓને ખોરાક અને છાંયડો પૂરો પાડવામાં મદદ મળશે દુષ્કાળની પરિસ્થિતિ ઘટશે અને જમીનના ધોવાણને રોકવામાં મદદ થશે.