નવસારી: ગુજરાત સહિત સમગ્ર ભારત દેશનો દરિયાકિનારો માછીમારી અને રોજગારીને પ્રોત્સાહન આપતો ઉદ્યોગ છે. જેને છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહિત કરીને રોજગારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં એક્વા કલ્ચર એટલે કે ઝીંગા ઉત્પાદનની દિશામાં પ્રયત્ન શરૂ કર્યા છે. જે અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક્વા કલ્ચર સેમિનારમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઝીંગા ઉછેર માટે તળાવ અપાશે: ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કાંઠા વિસ્તારની 10,000 હેક્ટરની જમીનમાં ઝીંગા ઉછેર થાય છે. જે લગભગ 70થી 80 ટકા જમીન સરકારની છે. અમારા દ્વારા રાજ્ય સરકારને સૂચન કરવામાં આવ્યું હતું કે ચોક્કસ તત્વો જમીનનો કબજો કરીને પોતે જ પગભર થતા હોય છે. એના બદલે ગામમાં જેટલા પણ ખેડૂતો હોય તેઓને એક-એક તળાવ સરકાર દ્વારા આપવામાં આવે. જેથી કાંઠા વિસ્તારનો ખેડૂત આર્થિક રીતે પગભર થાય.
એક વર્ષમાં ઝીંગા અને મત્સ્ય ઉત્પાદન વધ્યું: વધુમાં જણાવ્યું કે કાંઠા વિસ્તારમાં વિધવા બહેનોની સંખ્યા વધારે હોવાથી તેઓના આર્થિક વિકાસ માટે બહેનોને પણ ઝીંગા ફાર્મિંગ માટે એક પ્લોટ સરકાર દ્વારા આપવામાં આવે. જેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે અને કાંઠા વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ છે તે પણ ઓછું કરી શકાય. ઉલ્લેખનીય છે કે 30 વર્ષ પહેલાં ઝીંગા અને મત્સ્ય ઉત્પાદન માત્ર 15000 ટન જેટલું ઉત્પાદન થતું હતું. હવે એક વર્ષમાં 35,000 ટન ઝીંગા અને મત્સ્ય ઉત્પાદન થાય છે અને વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે.