- પાલિકાના પદાધિકારીની ગેરરીતિ સામે આવી
- પાલિકાને 1.71 લાખનો ચુનો લગાવ્યો
- કારોબારી અદ્યક્ષને બાકી લેણા માટે પાઠવવામાં આવી નોટીસ
નવસારીઃ નગર એટલે નળ, ગટર અને રસ્તાઓની માત્ર વ્યાખ્યા જ નથી પણ શહેરને મહત્તમ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવીએ એ પણ હેતુ હોવો જોઈએ પણ કેટલાક નગરસેવકો આર્થિક લાભ મેળવવા માટે પોતાને મળેલા પદનો દુર ઉપયોગ કરીને સરકારને ચૂનો લાગડતા હોય છે અને આવું જ કંઈક નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકામાં બન્યું છે.
બીલીમોરા પાલિકાના તત્કાલીન કારોબારી અધ્યક્ષને નોટીસ
નવસારીની બીલીમોરા નગર પાલિકા એક પછી એક વિવાદોમાં ઘેરાયેલી રહે છે. પાલિકાના નગરસેવકો આર્થિક લાભ મેળવવા પોતાના પદનો દૂરૂપયોગ કરતા પણ અચકાતા નથી. જેમાં બીલીમોરા પાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના શાસક પક્ષના નેતા હરીશ ઓડે પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને, પાલિકાને લાખોનો ચુનો ચોપડ્યો હતો. હરીશ ઓડે પોતાની જમીનની વાણીજ્ય હેતૂ માટે આકરણી મેળવી હતી, બાદમાં સિસ્ટમનો ફાયદો ઉઠાવી જમીનનો હેતુ ફેર કરી નાંખ્યો હતો. જેથી પાલિકાને મળનારી મહેસુલી આવકમાં 1.71 લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનુ સામે આવતા પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ થઇ હતી. જેની તપાસમાં ગેરરીતિ થઇ હોવાનું ફલિત થતા કમિશ્નરના આદેશથી બીલીમોરા પાલિકાના સીઓએ આકારણી તેમજ જમીન મહેસુલ ભરવા નોટીસ પાઠવતા વિવાદ સર્જાયો હતો.
પાલિકાના પદાધિકારીની કરતૂત સામે આવી
આકારણી વિવાદમાં બીલીમોરા ભાજપના પ્રમુખે પ્રાદેશિક કમિશ્નરના નિર્ણય બાદ પાર્ટી નિર્ણય કરશે. તેવું જણાવી પાલિકાના શાસક પક્ષના નેતાનો બચાવ કર્યો હતો. સાથે જ હરીશ ઓડનું સભ્યપદ રદ્દ કરવા અંગેના સવાલમાં શહેર પ્રમુખે મૌન સેવી લીધુ હતુ.
નગરસેવકનો અંગત સ્વાર્થ
શહેરના મતદારોના અમૂલ્ય મત મેળવીને વિજયી બની જતા નગર સેવકો, શહેર વિકાસને બદલે પોતાનો અંગત સ્વાર્થ સાધી લેતા હોય છે. આવા મુદ્દાઓમાં બીલીમોરા પાલિકા વર્ષોથી વિવાદિત રહી છે, ત્યારે સમગ્ર મામલે પ્રાદેશિક કમિશ્નરના આગામી નિર્ણય પર શહેરજનોની નજર રહેશે.