- આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી
- પીડિતાએ હિંમત કરી જિલ્લા SPને ફરિયાદ કર્યા બાદ નોંધાયો ગુનો
- ધૂતારો જયેશ જડીબુટ્ટી આપવાના બહાને મહિલાઓ સાથે આચારતો હતો પાપલીલા
નવસારી: ડિજિટલ યુગમાં પણ લોકો પોતાની પીડા દૂર કરવા આજે પણ ભગત કે તાંત્રિક ઉપર વિશ્વાસ રાખે છે. જેમાં ઘણીવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. નવસારી જિલ્લામાં તાંત્રિક દ્વારા વિધિના નામે 2 બહેનો સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાના થોડા જ દિવસોમાં નવસારીના લંપટ તાંત્રિક જયેશબાપુની કામલીલા સામે આવી છે. વૃદ્ધાવસ્થામાં પહોંચેલા ઘુતારા તાંત્રિકે વિધવા મહિલાને પોતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચારવાની ઘટનામાં પોલીસે હવસખોર તાંત્રીકની ધરપકડ કરી છે.
પિતા બાદ ગાદી સંભાળનારા ધૂતારા ભગત જયેશબાપુએ પોત પ્રકાશ્યું
આધુનિકતાની દોડમાં તરૂણોથી લઇ યુવા પેઢી ડિજિટલ માધ્યમોથી અવળે રસ્તે ચઢી હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, ત્યારે તેનાથી વિપરીત અંધશ્રદ્ધામાં ભગત કે તાંત્રીકના ચક્કરમાં પાડીને પણ ઘણીવાર લોકોની મુશ્કેલી વધી જતી હોય છે. નવસારી જિલ્લામાં 2 હવસખોર તાંત્રિકોની જાળમાં ફસાઈને 3 મહિલાઓ ધાર્મિક વિધિના નામે દુષ્કર્મનો ભોગ બની હોવાની એક અઠવાડિયામાં 2 ફરિયાદો સામે આવી છે. જેમાં ગણદેવીમાં 2 સગી બહેનો તાંત્રિકની જાળમાં ફસાયની ઘટના બાદ નવસારી તાલુકાના એક ગામે રહેતા નરાધમ ભગત જયેશબાપુએ પોત પ્રકાશ્યું છે. આયુર્વેદિક દવા અને ધાર્મિક વિધિથી લોકોના દુ:ખ દૂર કરવાના બહાને લંપટ તાંત્રિક જયેશે વિધવા મહિલામાં ભરાયેલા ભૂતને કાઢવા અને પૂર્વ જન્મના પાપો દૂર કરવા માટે વિધિ કરવી પડશે, એવી લાલચ આપી પીડિતાને ભોળવી હતી. આ દરમિયાન નરાધમે મહિલાને પોતાના રૂમની સફાઈ કરાવતા સમય સંબંધ બાંધવા મજબૂર કરી દુષ્કર્મ આચર્યુ હતું. આ સાથે જ પાખંડી જ્યેશે જાનથી મારી નાંખવાની ધમકી આપી પીડિતાને ચૂપ કરવી દીધી હતી, પરંતુ વારંવાર ઈજ્જત સાથે રમતા ધૂતારા જયેશને પાઠ શીખવવા મહિલાએ હિંમત કરી નવસારી જિલ્લા SPને ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપી ભગત અને તાંત્રિક જયેશ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી જેલના સળિયા ગણતો કરી દીધો છે.