- પલસાણા નજીક ઓવરલોડ શેરડી ભરેલો ટ્રક ફસાયો
- જેને કારણે ફાટક પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય
- 30 મિનિટ સુધી લટકતો રહ્યો ટ્રક
બારડોલી: ચલથાણ ફાટક પાસે શેરડી ભરેલો ટ્રક રેલ્વે ફાટકની એંગલ સાથે ફસાઈ ગયા બાદ આગળથી ઊંચો થઈ ગયો હતો. આ ઘટના બનતાં ટ્રકને જોવા લોકનું ટોળું ફાટક પાસે એકત્રિત થઈ ગયું હતું. ભારે જહેમત બાદ જે.સી.બી. દ્વારા ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો.
હાલમાં શેરડી કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેતરોમાંથી શેરડીનું વાહતુક કરતી ટ્રકોમાં 15થી 17 ટન જેટલો જથ્થો ભરવામાં આવી રહ્યો છે. ઓવરલોડ શેરડી ભરવામાં આવતી હોય કેટલીક વખત ટ્રક પલટી જવાના કે શેરડી ટ્રકમાંથી પડી જવાના બનાવો બનતા રહે છે. રસ્તા પર જતા આવા ટ્રકો અન્ય વાહન ચાલકો માટે પણ જોખમી સાબિત થાય છે.
શેરડી ભરેલો ટ્રક રેલ્વે ફાટકના એંગલમાં ફસાયો
બુધવારના રોજ ખેતરમાંથી મોટા જથ્થામાં શેરડી ભરેલો એક ટ્રક ચલથાણ સુગર ફેક્ટરીમાં જઇ રહ્યો હતો. તે સમયે ચલથાણ રેલ્વે ફાટક પાસેથી પસાર થતી વખતે ઓવરલોડ શેરડી ભરી હોય શેરડી ફાટકના એંગલ સાથે અડી ગઈ હતી. શેરડી એંગલમાં ફસાઈ જતા ટ્રક આગળ ખસી શક્યો ન હતો અને ભારે વજનને કારણે આગળથી ઊંચો થઈ ગયો હતો. ટ્રક આગળથી ઊંચકાઇ જતાં નજીકથી પસાર થતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાય ગયો હતો.
ટ્રક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
ટ્રકને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ટ્રકની સ્થિતિ જોઈ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ટ્રક વચ્ચોવચ ફસાઇ જતાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય હતી. આ દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ દોડી આવી ટ્રકને કાઢવા માટેના પ્રયાસો કર્યા હતા. જે બાદમાં જે.સી.બી. મશીન લાવી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રક ફસાય જવાથી રેલ્વે ફાટકના એંગલને નુકસાન પહોંચ્યું હતું.