ગણદેવીમાં 10 વર્ષ બાદ નવું ફાયર સ્ટેશન શરૂ થયું, સી. આર. પાટીલે કર્યું લોકાર્પણ - સી આર પાટિલ
નવસારી જિલ્લામાં ગણદેવી નગર પાલિકાને ફાયર ફાઈટરો મળ્યાના એક દાયકા બાદ અહીં નવું ફાયર સ્ટેશન શરૂ થયું છે. ગુરુવારે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના હસ્ટે રૂ. 83 લાખના ખર્ચે તૈયાર થયેલા નવા ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ બે વર્ષ અગાઉ બનેલા પાલિકાના પ્રવેશદ્વાર અને ગણદેવી સુગર ફેક્ટરીની સામેના જલારામ મંદિરનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.
- નવસારીના ગણદેવીમાં 10 વર્ષ પછી નવું ફાયર સ્ટેશન બન્યું
- નવસારીના સાંસદ સી. આર. પાટિલના હસ્તે કરાયું લોકાર્પણ
- નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ અને જલારામ મંદિરનું કર્યુ ભૂમિપૂજન
- ગણદેવીને ફાયર ફાઈટરો મળ્યાને દાયકો વીત્યા બાદ મળ્યું નવીન ફાયર સ્ટેશન
- ફાયર સ્ટેશન મળ્યુ, પણ 10 વર્ષથી ફાયર ઓફિસરનો અભાવ હતો
- પોણો કરોડના ખર્ચે ફાયર સ્ટેશન તૈયાર, પણ કાબિલ ઓફિસરની નિમણુકમાં વિલંબ!
નવસારી: ગણદેવી નગરપાલિકાને વર્ષ 2011 અને વર્ષ 2013માં ફાયર ફાઈટરો મળ્યા હતા, પરંતુ પાલિકાના શાસકો 10 વર્ષ સુધી ફાયર ફાઈટરો ઊભા રાખવા સાથે જ ફાયરના અન્ય સાધનો માટે ફાયર સ્ટેશન બનાવી શક્યા ન હતા. જ્યારે ગણદેવી પાલિકાએ વર્ષ 2018-19માં સ્વર્ણિમ્ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 83 લાખના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશનનું નિર્માણ કર્યુ છે. એક દાયકા બાદ મળેલા ફાયર સ્ટેશનથી શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ મહત્ત્વની વાત એ છે કે, ફાયર સ્ટેશન અને ફાયર ફાઈટરો હોવા છતાં પાલિકા યોગ્ય ફાયર ઓફિસરની નિમણૂક કરી શકી નથી.
નવું ફાયર સ્ટેશન બનવાથી ગણદેવીના લોકોમાં રાહત
દરેક જિલ્લામાં વિકાસની વાત કરનારી સરકાર 10 વર્ષ દરમિયાન નવસારીના ગણદેવીમાં એક નવું ફાયર સ્ટેશન ન બનાવી શકી. હવે છેવટે નવું ફાયર સ્ટેશન બન્યું હોવાથી ગણદેવીના લોકોમાં રાહત જોવા મળી છે. આ સાથે ફાયર ઓફિસરનો પણ અભાવ હતો.
રૂપિયા 7.6 લાખના ખર્ચે નવા પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ
જોકે, પાલિકાએ ગુરૂવારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના હસ્તે નવીન ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાવ્યું હતું. આ સાથે જ વર્ષ 2017-18ની ગ્રાન્ટ પૈકી રૂપિયા 7.60 લાખમાં તૈયાર થયેલા પાલિકાના નવનિર્મિત મુખ્ય પ્રવેશદ્વારનું પણ સાંસદ પાટિલે લોકાર્પણ કર્યું હતું.
જલારામ મંદિરનો જીણોદ્ધાર, સાંસદ પાટિલે કર્યુ ભૂમિપૂજન
પાલિકાના ફાયર સ્ટેશનના લોકાર્પણ પૂર્વે સાંસદ પાટિલે ગણદેવી સુગર ફેક્ટરી સામે સ્થિત 29 વર્ષ જૂના જલારામ મંદિરના જીણોદ્ધાર કરવા માટે ભૂમિપૂજન કર્યું હતું. માનવ સેવાને સમર્પિત જલારામ બાપા મંદિર વર્ષભર અનેક સેવાકીય કાર્યો કરે છે. જ્યારે નવા મંદિર માટે ભૂમિપૂજનથી ભક્તોમાં આનંદ વ્યાપી ગયો હતો.