- આઝાદીના અમૃત મહોત્સવ પર સુરત સીપી (પોલીસ કમિશ્નર)ની સાયકલ યાત્રા
- સુરત સીપી ઓફિસથી દાંડી સુધીની યાત્રા
- દાંડી પહોંચી મહાત્મા ગાંધીજીને યાદ કરી આપી શ્રદ્ધાંજલિ
નવસારી: ભારતની આઝાદીને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. જેને ભારત સરકાર અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહી છે. જે પૂર્વે આઝાદીના પ્રવેશદ્વાર સમાન દાંડીકૂચને 91 વર્ષ પૂર્ણ થતા ફરી જીવંત કરાઈ છે, ત્યારે આજે સોમવારે સુરત પોલીસ કમિશ્નરની આગેવાનીમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ સુરતથી દાંડી સુધી સાયકલયાત્રા કરી હતી. આ સાથે જ દાંડી પહોંચીને મહાત્મા ગાંધીજીને યાદ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
દાંડી પહોંચ્યાં બાદ દેશભક્તિના ગીતો પર પોલીસ અધિકારીઓ મન મૂકીને ઝુમ્યાં
મહાત્મા ગાંધીજી દ્વારા વર્ષ 1930માં યોજેલી દાંડીકૂચે અંગ્રેજી સલ્તનતના પાયાને હચમચાવી નાંખ્યા હતા અને દેશમાં આઝાદી માટે જે જુવાળ ઉઠ્યો હતો, તેને લઈને 17 વર્ષ બાદ ભારતે આઝાદીનો સુરજ જોયો હતો. આ વર્ષે 15મી ઓગસ્ટે આઝાદીને 75 વર્ષ થવા જઈ રહ્યાં છે અને દાંડીકૂચને 91 વર્ષ પૂર્ણ થયા છે. ભારત સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં દાંડીકૂચને ફરી જીવંત કરાઈ છે. આ દરમિયાન આજે સુરત પોલીસ કમિશ્નર અજય તોમર સહિત 6 આઈપીએસ ઓફિસર, બે આઈએફએસ ઓફિસર, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર મળીને 100 પોલીસ જવાનો, ડૉક્ટરો, મ્યુનિસિપલ અધિકારીઓ, સાયકલિસ્ટો સુરત સીપી ઓફિસથી નવસારીના ઐતિહાસિક દાંડી સુધી સાયકલયાત્રા લઈને પહોંચ્યાં હતા. દાંડી પહોંચતાની સાથે જ સુરત સીપી અજય તોમર સહિત પોલીસ અધિકારીઓ દેશભક્તિના ગીતોની ધૂન પર મન મૂકીને ઝુમ્યા હતા. આ ઉપરાંત નવસારી જિલ્લા પોલીસે સીપી અજય તોમરનું સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતું અને સીપીએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, તેમના વિચારોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પણ વાંચો : દાંડી યાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત