- જિલ્લામાં ધોરણ 9માં 19,420 અને ધોરણ 11માં 10,104 વિદ્યાર્થીઓ રહ્યા હાજર
- જિલ્લા શિક્ષણાધિકારીએ શાળામાં કરી આકસ્મિક તપાસ
- વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈનના પાલન મુદ્દે આપ્યુ માર્ગદર્શન
- શાળામાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયુ
નવસારી: સમગ્ર ગુજરાતમાં કોરોના કાળમાં 11 મહિનાઓથી બંધ રહેલી શાળાઓને 11 ડિસેમ્બરથી તબક્કાવાર શરૂ કરવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લાની 187 શાળાઓમાં ધોરણ 9ના 19,420 વિદ્યાર્થીઓ અને ધોરણ 11ની 135 શાળાઓના 10,104 વિદ્યાર્થીઓને શાળાઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઈનનું શાળાના સમય દરમિયાન ચુસ્તતાથી પાલન કરે તેની તકેદારી રાખી હતી. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થામાં અંતર જાળવવા સાથે રિશેષનો સમય પણ અલગ રાખવામાં આવ્યો હતો. જ્યારે દરેક વિદ્યાર્થી પોતાની સાથે સેનિટાઇઝરની બોટલ પણ રાખે તેનું ધ્યાન રાખવામાં આવ્યુ હતુ.
જિલ્લા શિક્ષણાધિકારીની આકસ્મિક તપાસ
રાજ્યમાં શાળાઓ શરૂ થયા બાદ કેશોદમાં 11 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટીવ આવ્યાની ઘટના બાદ નવસારીની શાળાઓમાં કોરોનાની સરકારી ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી ત્રણ અલગ-અલગ ટીમો બનાવીને શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. પરંતુ આજ બુધવારથી જ્યારે ધોરણ 9ની 187 અને ધોરણ 11ની 135 શાળાઓ શરૂ થતા બંને ધોરણોમાં 90 ટકા વિદ્યાર્થીઓની હાજરી રહી હતી, ત્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ નવસારીની ડિવાઈન પબ્લિક સ્કૂલમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જ્યાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે અંગે વિદ્યાર્થીઓને પ્રશ્નો પુછી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. જ્યારે શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓને પ્રયોગ કરતા નિહાળી શાળાની તૈયારીઓ અંગે શિક્ષણાધિકારીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.