નવસારીઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું નિસર્ગ વાવાઝોડું નવસારીના કાંઠામાં ટકરાવવાની સંભાવનાને જોતા જિલ્લાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી જલાલપોર અને ગણદેવી તાલુકાના ખૂબ પ્રભાવિત 7 ગામોને તંત્ર દ્વારા ખાલી કરાવી અંદાજે 5,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ઉદ્દભવેલું નિસર્ગ વાવાઝોડું બુધવારે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાની સંભાવના સેવાઈ રહી હતી. જો કે, હવે વવાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ 100 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-03-sthadantar-rtu-gj10031_02062020203228_0206f_03335_447.jpg)
વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર દ્વારા કાંઠાના જલાલપોર અને ગણદેવી તાલુકાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી જલાલપોર તાલુકાના દીવાદાંડી-માછીવાડ, ઓંજલ-માછીવાડ, કૃષ્ણપુર, ચોરમલાભાઠા તેમજ ગણદેવી તાલુકાના ધોલાઈ, મેંધર અને ભાટ મળી કુલ 7 ગામોના 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ નવસારી જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-03-sthadantar-rtu-gj10031_02062020203228_0206f_03335_390.jpg)