- જિલ્લામાં 318 કોરોના દર્દીઓ સારવાર હેઠળ
- કોરોનાના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત
- જિલ્લામાં ત્રણ દર્દીઓએ કોરોના મુક્ત થયા
- નવસારીમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2,109 થયો
નવસારી : એક વર્ષ બાદ ફરી વિફરેલા કોરોનાએ નવસારીને બાનમાં લઈ લીધું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લાના દરેક તાલુકા અને ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે અને કોરોનાને કારણે મોતની સંખ્યા પણ વધી રહી છે. નવસારીમાં 14 એપ્રિલે સમગ્ર વર્ષ દરમિયાનનો રેકોર્ડ કોરોનાએ તોડી 58 લોકોને સંક્રમિત કર્યા છે. જેની સાથે જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા 318 થઈ છે. બીજી તરફ કોરોનાને 14 એપ્રિલે ફક્ત 3 દર્દીઓએ હરાવ્યો હતો અને તેમને રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2,109 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જેની સામે 1,689 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લાની 11 હોસ્પિટલોમાં 478 દર્દીઓ ઓક્સિજન પર
નવસારી જિલ્લામાં દિવસેને દિવસે વધતા કોરોનાના કેસોને કારણે સિવિલ હોસ્પિટલ સિવાય નવસારીની ખાનગી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ છે. જેમાં પણ ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે. જિલ્લાની 11 ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં 478 દર્દીઓ ઓક્સિજન પર છે, જે આરોગ્ય વિભાગના આંકડા કરતા અંદાજે દોઢ ગણા વધારે છે. જેની સાથે જ રોજના આવતા દર્દીઓને ઓક્સિજન આપવું હોય તો હોસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. જોકે આ મુદ્દે જિલ્લા વહીવટીતંત્ર કે આરોગ્ય વિભાગમાંથી કોઈપણ સંબંધિત અધિકારીએ મીડિયા સામે આવવાનું મુનાસીબ સમજ્યું ન હતુ.