- શિપિંગ કંપનીઓમાં નો વેક્સિન, નો જોબનો નિયમ થયો લાગું
- નવસારીમાં 18થી 45 વર્ષના યુવાનોને વેક્સિન ન મળતા ઉભી થઇ સમસ્યા
- સીમેન વર્કર તરીકે કામ કરતા કાંઠાના યુવાનોની સ્થિતિ થઈ કફોડી
- ગુજરાત સિવાય ભારતના 11 પોર્ટ પર વેક્સિનેશનની વ્યવસ્થા
નવસારી: ઘાતક પુરવાર થયેલી કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધ્યું છે. જેમાં સરકાર દ્વારા લગાવવામાં આવેલા મીની લોકડાઉનના કારણે પાટે ચઢેલા ધંધા-રોજગારને પણ મોટી અસર થઈ છે. ત્યારે કોરોનાના ભયના કારણે કંપનીઓમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે હેતુથી કોરોનાને લગતા અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાંથી દરિયામાં કામ કરતા સાગરખેડુઓ પણ બાકાત નથી રહ્યા.
આ પણ વાંચોઃ બેરોજગાર યુવાનો: CMના હૉમટાઉનમાં 2 વર્ષમાં એક પણ યુવાનને સરકારી નોકરી નહીં, ગુજરાતમાં 4.58 લાખ બેરોજગાર
અપોઈન્ટમેન્ટ લેટર આવી ગયા બાદ પણ નોકરી જઇ શકતા નથી
દેશ અને વિદેશની વિવિધ શિપિંગ કંપનીઓમાં નોકરી કરતા નવસારી જિલ્લાના કાંઠાના ગામડાઓના 18થી 45 વર્ષના અંદાજે 2 હજાર યુવાનોને વેક્સિન નથી મળી. જેના કારણે તેઓ શિપિંગ કંપનીમાં નોકરીએ નથી જઈ શકતા. કારણ કે, શિપિંગ કંપનીઓએ નો વેક્સિન, નો જોબની ગાઇડલાઇન જાહેર કરી છે. જેના કારણે ઘણા યુવાનો મેડિકલ અને અપોઈન્ટમેન્ટ લેટર આવી ગયા બાદ પણ તેઓ નોકરી જઇ શકતા નથી.
18થી 45 વર્ષના યુવાનોને પણ વેક્સિન આપવાની જાહેરાત કરી હતી
નોકરી જવા નીકળેલા કેટલાક યુવાનોએ વતન પરત ફરવું પડયુ છે. જેથી કોરોનાના કારણે શિપિંગ કંપનીમાંથી ઘરે પરત ફરેલા યુવાનો, હવે વેક્સિન ન મળવાથી બેરોજગાર બન્યા છે. ઉલ્લેખનિય છે કે, 1લી મેથી સરકાર દ્વારા 18થી 45 વર્ષના યુવાનોને પણ વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાના કારણે નવસારીમાં વેક્સિનેશન શરૂ થયું નથી.
ગુજરાતમાં એક પણ બંદર પર વેક્સિન આપવાની વ્યવસ્થા નથી
ભારત સરકાર દ્વારા દેશના 11 પોર્ટ પર શીપમાં જતા સીમેન વર્કરો માટે વેક્સિનેશનની વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ ગુજરાતમાં એક પણ બંદર પર વેક્સિન આપવાની વ્યવસ્થા નથી. જેથી સરકાર વહેલી તકે વેક્સિન આપે એવી માગણી સાગરખેડૂ યુવાનો કરી રહ્યા છે.
વેક્સિન વગર નોકરી ન મળતા આર્થિક સ્થિતિ બની તંગ
નવસારીના જલાલપોર તાલુકાના ઓન્જલ માછીવાડ ગામેથી પણ અંદાજે 100 યુવાનો શિપિંગ કંપનીઓમાં નોકરી જાય છે. પરંતુ વેક્સિન ન મળવાથી યુવાનો કંપનીમાં જઈ શકતા નથી. જેથી હાલ સ્થાનિક સ્તરે દરિયામાંથી માછલી પકડી કે અન્ય નાના ધંધા કરીને પરિવારનું ગુજરાન ચલાવવા મજબુર બન્યા છે. નોકરી શરૂ ન થતા સીમેન યુવાનોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.
વેકસીનેશનના કારણે રીલિવર ન પહોંચતા શીપ પર પણ યુવાનો ફસાયા
શિપિંગ કંપનીની શીપ પર કામ કરતા સીમેન વર્કરોનો 9 મહિનાનો કોન્ટ્રાક્ટ હોય છે. જેમાં રીલિવર આવ્યા બાદ શીપ પર કામ કરતા વર્કર રીલિવ થતા હોય છે, પણ વેક્સિન ન મળવાથી અટકી પડેલા હજારો યુવાનો શીપ પર ન જઈ શકતા, શીપ પર કાર્યરત હજારો વર્કરોનો કોન્ટ્રાકટ પિરિયડ પૂરો થયો છતાં તેમને રીલિવર નથી મળ્યા. જેના કારણે શીપ પર અત્યારે ઘણા વર્કરોને 12 મહિના પણ પુરા થવા આવ્યા હોવાનું ઓન્જલ માછીવાડના યુવાનોએ જણાવ્યુ હતુ.
આ પણ વાંચોઃ લોકડાઉનને લીધે એપ્રિલમાં 2.7 કરોડ યુવાનો બેરોજગાર: CMIE
ગુજરાતના બંદરો પર પણ વેક્સિનેશનની વ્યવસ્થા ગોઠવવાની માંગ
કોરોનાની બીજી લહેરના કારણે ગત ત્રણ મહિનાથી શિપિંગ કંપનીમાં નોકરી કરતા સાગરખેડુ યુવાનો ઘરે પરત ફર્યા હતા. પરંતુ વેક્સિન વિના નોકરી શરૂ ન કરી શકવાના કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર પણ ગુજરાતના પોર્ટ પર વેક્સિનેશનની વ્યવસ્થા ઉભી કરે એવી આશા યુવાનો સેવી રહ્યા છે.