- મોપેડ પર આવી તરૂણ વેરાવળ નજીકના પુલ પરથી નદીમાં કૂદી પડ્યો
- નદીમાં પડેલા તરૂણને શોધવા નવસારી ફાયરબ્રિગેડ કામે લાગ્યુ
- અંતિમ પગલું ભરનાર તરૂણ પરિવારનો એકનો એક દીકરો
નવસારી : જિલ્લાના જલાલપોર વિસ્તારમાં આવેલા અમૃતનગર સોસાયટીમાં રહેતા 17 વર્ષીય દર્શન જીતુભાઇ પટેલ (સાવલિયા) ગત રાતે અચાનક પોતાના ઘરેથી મોપેડ પર નીકળી આવ્યો હતો. દર્શન સીધો નવસારીના વેરાવળ ગામ પાસે સ્મશાન ભુમિના પાર્કિંગ પાસે પહોંચ્યો અને ત્યાં રસ્તાને કિનારે મોપેડ પાર્ક કરીને પૂર્ણાં નદીના પુલ પર ગયો હતો. પુલની વચ્ચે પહોંચ્યા બાદ દર્શને નદીમાં મોતની છલાંગ લગાવી હતી.
ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરતા લાશ્કરો થોડી મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યા
નદીમાં પડતાની સાથે જ દર્શને પાણીની સપાટી પર બહાર આવતા બચાવો-બચાવોની બુમો પાડી હતી. પરંતુ નદીના પ્રવાહમાં દર્શન તણાઈને નદીના ઉંડાણમાં ગરક થઈ ગયો હતો. નદી કિનારે રહેતા લોકોએ તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરતા લાશ્કરો થોડી મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરો તાત્કાલિક નદીમાં ગરક થયેલા દર્શનને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કલાકો વિતવા છતાં પણ તેનો પત્તો લાગ્યો ન હતો અને મોડી રાત થતાં શોધખોળ રોકી દેવામાં આવી હતી.
પરિજનોમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી
આજે વહેલી સવારથી નવસારી ફાયર બ્રિગેડના લશ્કરોની ટીમે દર્શનના મૃતદેહને શોધવાની માથામણ શરૂ કરી હતી. પરંતુ સાંજ સુધી તેમને સફળતા મળી ન હતી. જ્યારે સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ઘટનાની જાણ જ કરવામાં આવી છે. પરિજનોમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળ્યું હતું.
દર્શનના અંતિમ પગલાથી માતા હજી અજાણ
સાવલિયા પરિવારમાં દર્શન એકનો એક પુત્ર હતો. માતા-પિતાએ લાડકોડથી અને ધાર્મિક સંસ્કારો સાથે ઉછરેલા દર્શને અચાનક પૂર્ણા નદીમાં કૂદીને આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડયુ છે. જેથી દર્શનના અંતિમ પગલાંની જાણ તેની માતાને હજી કરવામાં આવી નથી.