- પિતા-પુત્રની જોડીએ પણ એક જ વોર્ડમાંથી માગી ટિકિટ
- એક પૂર્વ નગરસેવકે ત્રણ વોર્ડમાં કરી દાવેદારી
- પરિવારવાદથી દૂર રહેવાની વાત, પણ ભાજપમાં ટિકિટવાંચ્છુઓએ પરિવારજન સાથે માગી ટિકિટ
નવસારી: નવસારી-વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં 14 દંપતીઓ અને બે પિતા-પુત્રની જોડીએ દાવેદારી કરતા ભાજપના પરિવારવાદથી દૂર રહેવાના દાવાનો છેદ ઉડાવી દીધો છે. જોકે ભાજપે દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો અધિકાર ગણાવી, મેરીટ આધારે ટિકિટ આપવાનો સૂર છેડ્યો છે.
7 વોર્ડમાં 14 દંપતી અને 2 વોર્ડમાં પિતા-પુત્રની દાવેદારી
નવસારી-વિજલપોર નગરપાલિકામાં 13 વોર્ડમાં ચૂંટણી જંગ ખેલાશે. જેમાં વિજલપોર શહેર વિસ્તારમાં 4 વોર્ડ આવ્યા છે. જ્યારે 8 ગામડાઓ સાથે નવસારી શહેરમાં 11 વોર્ડ રહ્યા છે. તમામ વોર્ડનો વિસ્તાર પણ વધ્યો છે. 13 વોર્ડના 52 ઉમેદવારો માટે 221 ભાજપીઓએ દાવેદારી કરી છે. જેમાં 14 દંપતીઓએ સાત વોર્ડમાં ટિકિટ મેળવવા દાવેદારી કરી છે. જેમાં 13 દંપતિઓએ એક જ વોર્ડમાં દાવેદારી કરી છે, તો એક જોડાએ બે અલગ-અલગ વોર્ડમાંથી કમળ ખીલાવવા ટિકિટ માંગી છે. જ્યારે બે વોર્ડમાં પિતા-પુત્રની જોડીએ પણ સાથે ચૂંટણી જંગ ખેલવા તૈયારી બતાવી છે.
પૂર્વ નગર સેવકે ટિકિટ નહીં મળવાની ચિંતામાં ત્રણ જગ્યાએથી કરી દાવેદારી
નવસારી નગરપાલિકાના વોર્ડ નં. 6 ના પૂર્વ નગર સેવક સંકેત શાહે નવસારી-વિજલપોર નગર પાલિકામાં પણ દાવેદારી કરવાની ઇચ્છા રાખી છે. પરંતુ કદાચ ટિકિટ કપાઈ એવી સંભાવનાને જોતા એકી સાથે વોર્ડ નં.3, વોર્ડ નં. 6 અને વોર્ડ નં. 7માંથી દાવેદારી નોંધાવી છે.