- ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા બાદ પાલિકાની 52 બેઠકો માટે ભરાયાં ઉમેદવારીપત્ર
- ભાજપના 59 અને કોંગ્રેસના 27 ઉમેદવારીપત્રો ભરાયાં
- ત્રીજી રાજકીય પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી, 16 ઉમેદવારીપત્રો ભરાયાં
- ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા આમ આદમી પાર્ટી પણ પ્રયાસરત ્
નવસારી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગું ફૂંકાયા બાદ ચૂંટણી લડવા રાજકીય પક્ષોના મહારથીઓ થનગની રહ્યાં હતાં. નવસારી સાથે વિજલપોર અને 8 ગામડાઓ જોડાયા બાદ પાલિકાના 13 વોર્ડમાં 52 કોર્પોરેટરો માટે ચૂંટણી યોજાશે, જેમાં ભાજપમાં 52 બેઠકો માટે 221 દાવેદારો સામે આવ્યાં હતાં. કોંગ્રેસમાં પણ 115 ઉમેદવારોએ દાવેદારી કરી હતી.
પોતપોતાના ઉમેદવારોને સાંભળ્યા બાદ બંને પક્ષે ઉમેદવારી નોંધાવી
ઉમેદવારોને સાંભળ્યા બાદ ભાજપ-કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો જાહેર કર્યાં બાદ આજે શુક્રવારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી પણ બંને મુખ્ય પક્ષોને ટક્કર આપવાના પ્રયાસમાં દેખાઈ રહી છે.
નવસારી-વિજલપોર પાલિકાના ચૂંટણી અધિકારીઓ સામે ભર્યાં ઉમેદવારીપત્રો
નવસારી-વિજલપોર નગરપાલિકાના 13 વોર્ડને બે ભાગોમાં 1થી 7 અને 8થી 13 વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. શુક્રવારે વોર્ડ 1થી 7માં 60 ઉમેદવારીપત્રો, જ્યારે વોર્ડ 8થી 13માં 45 ઉમેદવારીપત્રો મળી કુલ 105 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં, જેમાંથી ભાજપના 59, કોંગ્રેસના 27 અને આમ આદમી પાર્ટીના 16 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. જ્યારે અપક્ષ કે અન્ય મળી કુલ 3 ફોર્મ ભરાયાં છે. હજી 13 ફેબ્રુઆરી એટલે કે શનિવારે પણ ઉમેદવારીપત્રો ભરાશે. ત્યારબાદ ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.