- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાતે
- 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની થશે ઉજવણી
- કેવડિયામાં 12 પ્રોજક્ટોનું કરશે ઉદ્ઘાટન
નર્મદા: આગામી 31 ઓક્ટોબરની દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે ત્યારે વડાપ્રધાન મોદી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરી 20 મિનિટ યોગ તેમજ પ્રાણાયામ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને ખાસ મહત્વ આપે છે તેથી જ આ ઔષધીય વનમાં યોગ ગાર્ડન વિકસિત કરવામાં આવ્યું છે. જેમાં 1000 થી વધુ આયુર્વેદિક છોડ ઉગાડવામાં આવ્યા છે. અહીંયા પ્રવાસીઓને સૌથી વધુ ઓક્સિજન મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રવાસીઓ રાત્રી રોકાણ કરે તો તેઓ યોગ ગાર્ડનમાં પ્રાણાયામ પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇન્ડોર પ્લાન્ટ સેક્શનમાં વધુ ઓક્સિજન ધરાવતા છોડ
આ ગાર્ડનની અંદર આવેલા ઇન્ડોર પ્લાન્ટ સેક્શનમાં વધુ ઓક્સિજન ધરાવતા છોડ ઉગાડવામાં આવ્યા છે. તેમજ એક વેલનેસ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વડે સારવાર પણ કરાવી શકાશે.
સ્પીકરની પણ વ્યવસ્થા ગોઠવાઇ
આ વનમાં વહેલી સવારે યોગ કરતા કરતા લોકો સંગીતનો પણ લાભ લઇ શકે તે માટે યોગ ગાર્ડનમાં લીલા રંગના સ્પીકરો પણ ગોઠવવામાં આવ્યા છે. 17 એકરની વિશાળ જમીનમાં પથરાયેલા આ ગાર્ડનમાં મગજ, શરીર અને આત્મા ત્રણેયને શાંતિ મળે તેના પર થીમ ડિઝાઇન કરવામાં આવી છે.
ચેસબોર્ડ ડિઝાઇનમાં ફ્લોરીંગ
ચેસની રમત એ માઇન્ડ યોગ છે. આ થીમ પર આ ગાર્ડનના ફ્લોરીંગની ડિઝાઇન ચેસબોર્ડ જેવી રાખવામાં આવી છે. સમગ્ર યોગ ગાર્ડનને બાંબુથી ઢાંકી ત્રણેય દિશાઓથી બંધ કરી દેવામાં આવી છે. ફક્ત પૂર્વ દિશાને જ ખુલ્લી રાખવામાં આવી છે જેથી સવારના પહોરમાં લોકોને ભગવાન સૂર્યનારાયણના દર્શન થાય અને પૂરતું વિટામીન ડી પણ મળી રહે. મનુષ્યની પાંચેય ઇન્દ્રિયોને સંતોષ મળે તે માટે અલગ અલગ ગાર્ડન બનાવવામાં આવ્યા છે.