નર્મદા : ચાલુ વર્ષે ગુજરાતભરમાં ચોમાસાની સીઝનમાં મેઘમહેર થઈ છે. ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં ભારે પાણીની આવક થઈ હતી. જેના કારણે મોટાભાગના જળાશયો છલકાયા હતા. પરંતુ આ પાણીએ કેટલાય વિસ્તારોમાં ભારે નુકસાન પર કર્યું હતું. નર્મદા નદીમાં અચાનક આવેલા પૂરમાં અનેક લોકોના મકાન અને ઘરવખરી તબાહ થઈ ગયાં હોવાથી ચારે તરફ દુખનો માહોલ છે. ઉપરાંત પશુધનને પણ નુકસાન થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા જતાં નેતાઓ રોષનો ભોગ બની રહ્યા છે. ખેડૂતના ખેતર અને લોકોના મકાનને પૂરના પાણીએ તબાહ કર્યા, જેમાં શિક્ષણ પણ બાકાત નથી રહ્યું.
શાળામાં પાણી-પાણી : નર્મદા નદીના પાણીએ ગામના ગામ તબાહ કરી નાખ્યા છે. જેના કારણે લોકોને જાનમાલ અને આર્થિક કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. નર્મદા જિલ્લાના રહેણાંક ઘર અને ખેતર સાથે શાળાઓ પણ સલામત રહી નથી. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના બાળકો ઘરના ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓનું ભણતર અટક્યું છે. પરંતુ વિદ્યાર્થીઓના ભણતરની ચિંતા કરતા ગ્રામજનોએ આ અંગે સહયોગ આપવા આગળ આવ્યા છે. જેમાં નર્મદાના એક ગામમાં કોમી એકતા અને માનવતાનો અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે.
વિદ્યાર્થીઓને મળ્યો આશરો : ગરુડેશ્વર તાલુકાના રેંગણ ગામની પ્રાથમિક શાળામાં પૂરના પાણી ભરાતા શાળાના તમામ પંખા, કોમ્પ્યુટર, બેન્ચ સહિત ભણવાના સાધનોને નુકસાન થયું છે. જેમાંથી અમુક વસ્તુઓ નષ્ટ થઈ ગઈ છે. જોકે રેંગણ ગામની શાળામાં પાણી હોવાથી બે રહીશોના મકાનમાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાની ઈમારત પાણીમાં ડૂબી જતાં હાલમાં શાળાના બાળકોનું વૈકલ્પિક શૈક્ષણિક કાર્ય ફળિયામાં દાયમા સિરાજ મહંમદ બાપુસાહેબના ઘરે ચાલી રહ્યું છે.
કોમી એકતાની ઝલક : આ ઉપરાંત બીજા બાળકો માટે બારીયા વાસુદેવ ભીખાભાઈના ઘરે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આમ આ ગામમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું કે. નાતજાતની પરવા કર્યા વિના આ ગામના લોકો પોતાનું ઘર આપી દેતા આજે વિદ્યાર્થીઓનું ભણતર પણ ચાલી રહ્યું છે. જોકે ગ્રામજનો વહેલી તકે સરકાર દ્વારા આ શાળામાં જરૂરી સાધનો આપે એવી માંગ કરી રહ્યા છે.