ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ વિભાગના રાજયકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવેએ આજે નર્મદા જિલ્લાના પ્રવાસે હતા. તે દરમિયાન તેમને કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક નવનિર્મિત ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કના ટ્રાયલ રનની મુલાકાત લીધી હતી. જ્યા તેઓ પોષણના મહત્વ અંગે પ્રદર્શિત કરાયેલી રમત-ગમત, બાળકો અને તેમના વાલીઓને અપાતી કામગીરીથી ખુશ થયા હતા.
આ ન્યુટ્રીશીયન પાર્કમાં મેરાફોર્મ ઇન્ડિયા કંપની દ્વારા નિર્માણ પામેલા જોય ટ્રેન રાખવામાં આવી છે. તેના વિવિધ રસપ્રદ સ્ટેશનો રાખવામાં આવ્યાં છે. જેમાં ફળ-શાકભાજી ગૃહ સ્ટેશનમાં વ્યક્તિને પોતાના આરોગ્ય-સ્વાસ્થ્ય સુખાકારી માટે ઋતુ પ્રમાણે ફળફળાદિ અને શાકભાજીનો ઉપયોગ, બાસ્કેટ બોલની ગેમ સહિત ખેતીની જાણકારી માટે પણ ઉપયોગી ગેમ્સ, પયોનગરી સ્ટેશનમાં દૂધ અને દુધની બનાવટ, દુધના ફાયદા, દહીં-પનીર, છાશ, માખણ, યોગર્ટ વગેરેના લાભો, અન્નપુર્ણા સ્ટેશન ખાતે મમ્મીના હાથે બનેલા ભોજનનું મહત્વ, બાળકોને મજા પડે અને ગમ્મત સાથે પોષણ અંગેનું જ્ઞાન મળે તે માટે પ્લેટ રાઇટ અને સ્પાઇસ રાઇટની સુવિધા કરવામાં આવી છે.
ચિલ્ડ્રન–ન્યુટ્રીશન પાર્કમાં જુદા જુદા રેલ્વે સ્ટેશનોની મુલાકાત ઉપરાંત બાળકો માટેની ગેમઝોન, ન્યુટ્રીહન્ટમાં વિવિધ ગેમ્સમાં ફુટબોલ, વર્ચ્યુઅલ બાઇસીકલ રેસીંગ, ભૂલ ભૂલૈયા સિનેમા સહિતના બાળકોના મનોરંજન માટેના નીત નવી અસંખ્ય ગેમ્સ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેની મુલાકાત લઈને રાજ્યપ્રધાન વિભાવરી દવેએ તમામ સેવાઓને રસપૂર્વક નિહાળી હતી.