નર્મદા : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીના રોજ ભરૂચના નેત્રંગ ખાતે આવી રહ્યા છે. ઉપરાંત પંજાબના મુખ્યપ્રધાન પણ નેત્રંગ ખાતે યોજાનાર જનસભામાં જોડાવાના છે. સીએમ કેજરીવાલ અને પંજાબના સીએમ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ જનસભા યોજવાના હોવાની ચર્ચા છે. ત્યારે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. જેની સામે આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વળતો જવાબ આપતો વીડિયો જાહેર કર્યો હતો.
ભાજપ સાંસદના ચાબખા : ચૈતર વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે, ચૈતર વસાવાને આપ પાર્ટીના નેતાઓ આગળ કરીને કોર્ટમાં કેસ બગાડી રહ્યા છે. આપ પાર્ટી ચૈતર વસાવાને સમર્થન નહીં પણ પોતાની પાર્ટીને ગુજરાતમાં ઊંચી કરવાના પ્રયત્નો કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી કે વકીલ ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી. આ લોકો ભાજપને અને ભાજપ સરકારને બદનામ કરવાના ઉદ્દેશથી આવી રહ્યા છે. આપ પાર્ટીને રાતોરાત સપનું આવ્યું કે ભરૂચ લોકસભા જીતી જઈશું, પણ એ લોકો ભૂલે છે ભરૂચની લોકસભા બેઠક ભાજપ જ જીતવાનું છે.
આપ પ્રદેશ અધ્યક્ષનો વળતો પ્રહાર : સાંસદ મનસુખ વસાવા દ્વારા શાબ્દિક પ્રહાર થતા આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી પણ મેદાનમાં ઉતર્યા હતા. તેઓએ ભાજપ નેતા મનસુખ વસાવા બેબાકળા થયા હોવાના ચાબખા મારતા કહ્યું કે, ચૈતર વસાવા ફક્ત કાર્યકર્તા નહીં પરંતુ કાર્યકારી અધ્યક્ષ છે. તે માત્ર ડેડિયાપાડા પુરતા ફેમસ નથી પરંતુ આખા ગુજરાતના હીરો છે. આથી તમારી તકલીફ સમજી શકાય તેમ છે. આ લોકસભા સીટ તમે હવે ભૂલી જજો.
ભરૂચમાં કેજરીવાલની જનસભા : ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ 7 જાન્યુઆરીના રોજ ભરૂચનાં નેત્રંગમાં જનસભા સંબોધવાના છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવાના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. હાલ તેમને સબજેલની અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. આપ જિલ્લા પ્રભારી તેજસ પટેલે જણાવ્યું હતું કે, તેઓ જેલમાં આપવામાં આવતું જ ભોજન આરોગી રહ્યાં છે. ઉપરાંત ચૈતર વસાવાએ આગામી લોકસભાની ચૂંટણી લડવાનો હૂંકાર કર્યો છે.